જામનગર જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી પ્રવિણસિંહ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાત પેજનો અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા ને બે પેજનો લેટર લખી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાની ઉમેદવારી પરત ખેંચી લેવાની વિનંતી કરી છે. ક્ષત્રિય સમાજની અસ્મિતા અને દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે આવો નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે. પરસોતમ રૂપાલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવેલા પત્રમાં શું લખ્યું છે તે અક્ષરસહ નીચે મુજબ છે.
પરસોતમ રૂપાલાને પત્ર
પ્રતિ
શ્રી પુરશોતમભાઈ રૂપાલા સાહેબ ભારત સરકાર.
વિષયઃવિષય:રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે સ્વૈચ્છિકરીતે ડટી જઈને ચૂંટણીમાં પક્ષને થનાર સંભવિત ગંભીર નુકસાન અટકાવવા તથા ગુજરાતની શાંતિ અકબંધ રાખવા બાબત.
વંદેમાતરમ
સવિનય જણાવવાનું કે, ગત તારીખ 23/3/2024 ના રોજ એક સમાજના કાર્યક્રમ દરમિયાન આપ સાહેબે રાજા રજવાડા અને ક્ષત્રીય સમાજની બહેન દીકરીઓની અસ્મિતા પર પ્રહાર સમાન કરેલ નિવેદનના કારણે રાજ્યમાં ઉભી થયેલ ગંભીર પરિસ્થિતિથી આપ વાકેફ છો જ.આપ પક્ષના સિનિયર, અનુભવી અને પ્રભાવી આગેવાન છો પરંતુ આપનું આ નિવેદન મારી દ્રષ્ટિએ પક્ષના શિસ્ત ભંગનું ઉત્તમ ઉદાહરણ છે. કારણકે પક્ષ માટે નુકસાનકારક કોઈ વાત કે નિવેદન કરવું એ પક્ષની શિસ્તબદ્ધતા અને અનુશાસનનો ભંગ કાર્ય સમાન હોય છે.
માત્ર ભાજપના કાર્યકરો જ નહીં પરંતુ ભારતના નાગરિકો માટે પણ પ્રેરણા સ્ત્રોત એવા આપણા શ્રધ્ધેય વડાપ્રધાન અને ભારત રત્ન આદરણીય શ્રી અટલ બિહારી બાજપાયજીએ પક્ષના સંનિષ્ઠ, વફાદાર અને પ્રમાણિક કાર્યકર અને આગેવાનની વ્યાખ્યા અનેક વખત આપેલ છે, તે મુજબ પક્ષના કાર્યકર કે આગેવાનમા “મુજ સે બડા દલ ઓર દલ સે બડા દેશ” એવી પક્ષ તથા રાષ્ટ્ર પ્રત્યે પ્રખર ભાવના જે કાર્યકર કે આગેવાનમાં હોય તે જ ભાજપનો સમર્પિત, વફાદાર, સનિષ્ઠ અને પ્રમાણિક કાર્યકર કહેવાય.ભાજપના સંસ્થાપકો શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારોને કારણે તેમજ પક્ષની શિસ્તબદ્ધતા અને અનુશાશનને કારણે જ આજે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે તે વાસ્તવિકતા આપે સ્વીકારવી જ રહી. જો આપ બાજપાયજીએ કાર્યકરના સંદર્ભમાં આપેલ વ્યાખ્યા સમાન ઉક્ત વાક્યમાં માનતા હો, તો આપે પોતાના હિત કરતા પાર્ટી, રાજ્ય તથા દેશનું હિત મહત્વનું તથા મોટું છે અને અગ્રસ્થાને છે તેવું સ્વીકારીને આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકેની આપની ઉમેદવારી સામે ચાલીને રદ કરવા માટે પાર્ટીન સ્વૈચ્છિક રીતે જણાવવું જોઈએ અને પાર્ટી પ્રત્યેની આપની વફાદારીની ભાવનાને પ્રદર્શિત કરવી જોઈએ. જો આપ એવું ન કરી શકો તો આપના હીત કરતા પાર્ટી, રાજ્ય અને દેશનું હિત ગૌણ છે તેવું આપ વ્યક્તિગત રીતે માનો છો, તે સ્વયં સ્પષ્ટ થઈ જશે. મારી આ અપીલ આપને કડવી ચોક્કસ લાગશે, પરંતુ સત્ય બોલવું અને સત્ય લખવું એ એક ક્ષત્રિય તરીકે અને પક્ષના વફાદાર કાર્યકર્તા તરીકેની મારી ફરજ છે, એટલે આપને આ પત્ર લખ્યો છે.
આપ પોતાની ઉમેદવારી સ્વૈચ્છિક રીતે જતી કરીને સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજની ગરિમાનું સન્માન કરશો અને ચુંટણીમાં પાર્ટીને થનાર ગંભીર નુકસાનીને અટકાવશો તેવી વ્યાજબી અપેક્ષા રાખું છું.
આપનો વિશ્વાસુ
(પ્રવીણસિંહ જે. જાડેજા.) મહામંત્રી જિલ્લા ભાજપ, જામનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર
તા. 06/04/2024
प्रति,
માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ,
યશસ્વી વડાપ્રધાનશ્રી,
ભારત સરકાર.
વિષય: રાજકોટ લોકસભાના ઉમેદવાર માન.શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજના બહેન દીકરી અંગે કરેલ ઔચિત્યભંગ સમાન અભદ્ર નિવેદનથી ચૂંટણીમાં આપણી પાર્ટીને થનાર સંભવિત ગંભીર નુકસાન અંગે.
સાદર નમસ્કાર સહ.
વંદેમાતરમ
સવિનય જય ભારત સાથ જણાવવાનું કે ગત તારીખ 23/3/2024 ના રોજ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન વિવેક ભાન ભૂલીને “રાજા રજવાડાઓ એ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહારો કર્યા” તેવું પોતાના પ્રવચનમાં બોલ્યા જેને કારણે રાજા રજવાડાઓના પરિવાર તથા સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાય અને તેમના માન સન્માનને ખુબ મોટી ઠેસ પહોંચી જેથી રૂપાલા સાહેબ પ્રત્યે સમગ્ર ક્ષત્રિય સમાજમાં અતિ તીવ્ર રોષની લાગણી વ્યાપેલ છે.
રૂપાલા સાહેબે પણ પોતાની ભૂલ સ્વીકારીને સમગ્ર ક્ષત્રિય સમાજની ત્રણ વખત માફી માંગેલ તેમજ પક્ષના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે પણ ક્ષત્રીય સમાજની માફી માંગેલ છતાં ક્ષત્રિય સમાજનો રોષ તસુભાર પણ ઓછો થતો નથી.ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલા સાહેબને લોકસભાની આ ચૂંટણીના ઉમેદવાર તરીકેની પાર્ટીની ટિકિટ રદ થાય અને આ ચૂંટણીમાં રૂપાલા સાહેબને અન્ય કોઈપણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કરવામાં ન આવે. ક્ષત્રિય સમાજના ભાજપના બુથપ્રમુખથી લઈને રાજ્યસ્તર સુધીના કાર્યકરો અને આગેવાનો ક્ષત્રિય સમાજને રોષ શાંત પાડવા અને રૂપાલા સાહેબને માફ કરવા માટે સમજાવવા ખૂબ જ પ્રમાણિકતાથી પ્રયત્નો કરી જ રહ્યા છે પરંતુ રોષ એટલી ચરમસીમાએ છે કે અમારા યથાશક્તિ પ્રયત્નો સંપૂર્ણ પણે નિષ્ફળ નીવડી રહ્યા છે.
તારીખ 3/3/2024 ના રોજ રાજ્યની ૯૦ જેટલી રાજપૂત સંસ્થાઓના પ્રતિનિધિ ની બેઠકમાં ભાજપના ક્ષત્રીય આગેવાનોએ પણ પોતાના સમાજના પ્રતિનિધિઓ ને સમજાવવા માટે ખૂબ જ પ્રમાણિક પ્રયત્ન કર્યા પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માંગ માટે અડગ છે અને હવે પક્ષ સરકાર કે ક્ષત્રિય સમાજ ભાજપના આગેવાનો સાથે કોઈ બેઠક પણ કરશે નહીં તેવી જાહેરાત થતા જો આ તીવ્ર રોષ શાંત ન પડે અને ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરે તો પાર્ટીને કેટલું ગંભીર નુકસાન થાય તે દહેશત વ્યક્ત કરવા માટે પક્ષના જિલ્લા ના હોદેદાર તરીકે મેં મારી ફરજ સમજીને આ પત્ર આપશ્રી ને લખી રહ્યો છું.
ક્ષત્રિય સમાજના રોષનું મુખ્ય કારણ રૂપાલા સાહેબનું એ નિવેદન તો છે જ, પરંતુ એ સિવાય પણ કેટલાક અન્ય કારણો પણ ક્ષત્રિય સમાજ આપી રહ્યો છે, જે કારણો આપ સમક્ષ ઈમાનદારી પૂર્વક રજૂ કરવા ખુબ જરૂરી છે. ભાજપ ની રાષ્ટ્રવાદી વિચારધારા ને કારણે વર્ષો થી કોંગ્રેસ પાર્ટી સાથે ઘનિષ્ટ રીતે જોડાયેલ ક્ષત્રિય સમાજ કોંગ્રેસ છોડીને ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટી તરફ વળવા લાગ્યો અને ખાસ કરીને 2001 માં આપશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી 2014 સુધીના આપના દીર્ઘદ્રષ્ટિ યુક્ત સક્ષમ નેતૃત્વને કારણે ગુજરાતની વિકાસ યાત્રા સંદર્ભમાં માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ગુજરાત એક રોલ મોડલ રાજ્ય બન્યું. આપની રાષ્ટ્રભાવના તથા વિકાસ કામોથી પ્રેરિત થઈને સમગ્ર દેશ ની જનતા એ ર૦૧૪ માં આપણે દેશના વડાપ્રધાન તારીખ આરૂઢ કરેલ. વડાપ્રધાન તરીકેની આપની કાર્ય પ્રણાલી અને ભારતનો સર્વાંગી ક્ષેત્રમાં વિકાસ થકી દેશને સમગ્ર વિશ્વ માં આગવું સ્થાન મળેલ. તેથી આપના આવા સક્ષમ નેતૃત્વને કારણે એક સમયે કોંગ્રેસ સાથે 65 થી 70% જોડાયેલા ક્ષત્રિય સમાજ કોંગ્રેસ છોડી ભાજપમાં અવિરત પણે જોડાઈ રહ્યો જેને કારણે આજે ગુજરાતનો 80% થી પણ વધારે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે તીવ્ર લાગણીથી જોડાયેલ છે.
પ્રરંતુ કેટલાક સમયથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં એક છુપા અસંતોષની લાગણી વ્યાપી રહી છે કે, ગુજરાત નો ક્ષત્રીય સમાજ ૮૦% ભાજપ સાથે જોડાયેલ હોવા છતા, ક્ષત્રિય સમાજને તાલુકા તથા જિલ્લા પંચાયત,વિધાનસભા, લોકસભા, બોર્ડ નિગમમાં અને સંગઠનમાં યોગ્ય માત્રામાં પ્રતિનિધિત્વ મળેલ નથી, તેમજ ક્ષત્રિય સમાજના ભાજપના પીઢ આગેવાનો ને પક્ષે ડાસિયામાં ધકેલી દીધા હોય તેવી લાગણી ક્ષત્રિય સમાજ સતત અનુભવી રહ્યો છે. છતાપણ સમજદાર, સંસ્કારી, નિષ્ઠાવાન, વફાદાર, રાષ્ટ્રપ્રેમી અને પ્રમાણિક સમાજ હોવાને કારણે માત્રને માત્ર આપશ્રીનું વડાપ્રધાન તરીકેનું નેતૃત્વ દેશ માટે જરૂરી છે તેવુ રાષ્ટ્રહિત ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજ આ અસંતોષની લાગણી ક્યારેય વ્યક્ત કરી શક્યો નથી.
એક સમયે કોંગ્રેસનો સૂર્ય મધ્યાહને ડતો ત્યારે કોંગ્રેસમાં ક્ષત્રિય સમાજને ખુબ સારા પ્રમાણમાં પ્રતિનિધિત્વ સતત મળતું રહ્યું હતું. કોંગ્રેસના શાસનમાં 8 થી 10 ક્ષત્રિય સાંસદ, 20 થી 25 ક્ષત્રિય ધારાસભ્યો, અનેક બોર્ડ-નિગમના ચેરમેન અને ડાયરેક્ટર તરીકે ક્ષત્રિય સમાજના કાર્યકરો અને અગવાનો હતા તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત કોંગ્રેસ સંગઠનમાં પણ ખૂબ સારું પ્રતિનિધિત્વ ક્ષત્રિય સમાજને મળેલ હતું, જેની તુલનામાં ભાજપમાં અત્યારે ક્ષત્રિય સમાજનું તેમના હક્ક જેટલું પણ પ્રતિનિધિત્વ મળતું નથી, તેવો અસંતોષ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપી ગયેલ છે તેવી હૈયાવરાળ અને વેદના ક્ષત્રિય સમાજ ઠાલવી રહ્યો છે. દેશની એકતા અને અખંડિતતા માટે ક્ષત્રિય રાજા રજવાડાઓએ પોતાના રાજ્યો રાષ્ટ્રને સમર્પિત કરીને પોતાની રાષ્ટ્રભાવનાના દર્શન દેશની જનતાને કરાવ્યા એ ઐતિહાસિક તથ્યને આપણે સૌએ સ્વીકારવું જ રહ્યું, ત્યારે પોતાનું ૧૮૦૦ પાદરનું ભાવનગર રાજ્ય સૌપ્રથમ સમર્પિત કરીને ભારતની એકતા અને અખંડીતતા ની મજબુત ઈમારતના પાયાના પર્યાય સમાન ભાવનગરના મહારાજશ્રી કૃષ્ણકુમારસિંહજીને ‘ભારત રત્ન એવોર્ડ’ થી સન્માનિત કરવાની લાગણી અને માંગણી સમગ્ર ક્ષત્રીય સમાજ છેલ્લા ૧૦ વર્ષથી કરી રહ્યો છે.
ભારતના તમામ 562 રજવાડાના ત્યાગ અને બલિદાનની ગૌરવ ગાથા ભારતની પ્રજા જાણે, સમજે અને રાષ્ટ્રભાવના માટે પ્રેરણા મેળવે એવા શુભ આશય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ રાજા રજવાડાઓના સ્મારક સમાન મ્યુઝિયમ બનાવવા માટે આપશ્રીએ કરેલી જાહેરાત પછી પણ એ દિશામાં નક્કર કામગીરી ન થઈ અને આજેપણ એ મ્યુઝિયમનું કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોય, એટલે આ બંને બાબતો પણ આંદોલનની તીવ્રતા માટે નિમિત બની છે. રૂપાલા સાહેબના આ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજના ગૌરવ, સ્વાભિમાન, અને અસ્મિતા તેમજ ખાસ કરીને પોતાના માતા બહેનોની અસ્મિતા પર થયેલ પ્રહારને આ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં મોટા પ્રમાણમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તેમજ આગળ જણાવ્યા મુજબની ઉક્ત બાબતોને કારણે પણ અંદર છુપાયેલ અસંતોષનો જવાળામુખી ખુલીને બહાર આવ્યો, જે આ આંદોલનમાં બળતામા ઘી હોમવા માટે નિમિત બન્યો છે. તેવું ક્ષત્રીય સમાજની રજૂઆતના આધારે મારું તટસ્થ આંકલન છે.
ક્ષત્રિય સમાજે આ દેશમાં સદીઓ સુધી શાસન કર્યું અને પોતાના રાષ્ટ્રની અખંડિતતા માટે, સનાતન સંસ્કૃતિ અને વિરાસત માટે, સનાતન ધર્મ અને પોતાની પ્રજાના રક્ષણ માટે ગાય માતા અને અબળા માટે રામાયણ અને મહાભારતથી પણ પ્રાચીન કાળ (વૈદિક કાળ) થી છેક 1947 સુધી પોતાના પ્રાણની આહુતિઓ ક્ષત્રિય સમાજ અવિરત પણે આપતો રહ્યો, જેનો ઈતિહાસ સાક્ષી છે. ત્યારે આવા ગૌરવંતા સમાજની પ્રશંસા અને સન્માન કરવાના બદલે રૂપાલા સાહેબ જેવા પીઢ, જવાબદાર, પરિપક્વ, સમજદાર, કાર્યકુશળ અને પ્રભાવી રાજકીય આગેવાન જ્યારે ઈતિહાસથી તદન વિપરીત તથ્યહીન અને કપોળ-કલ્પિત નિવેદન આપીને સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચાડે ત્યારે ક્ષત્રિય સમાજ ‘આત્મસન્માન’ માટે ઉગ્ર ભાવાવેશમાં આવે જ, એ સમજી શકાય. કારણ કે આવી અસંખ્ય ઐતિહાસિક ઘટનાઓને કારણે અસંખ્ય યુદ્ધો ક્ષત્રિયો લડયા છે અને ગાય, રાષ્ટ્ર, ધર્મ અને બેન-બેટીઓ માટે માથાના બલિદાન પણ આપ્યા છે તેનો ઈતિહાસ સાક્ષી છે.
આપશ્રી નારી શક્તિના પ્રશંસક છો અને સ્ત્રી સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ આપીને આપની કલ્પના મુજબના વિકસિત ભારતમાં ભારતીય સ્ત્રીઓનું પણ આગવું યોગદાન મળી રહે તે પ્રકારે આપ કાર્ય કરી રહ્યા છો, ત્યારે સનાતન ધર્મ અને સંસ્કૃતિ તથા રાષ્ટ્રના રખેવાળ એવા ક્ષત્રિય સમાજની જ બહેન-દીકરી વિશે કેન્દ્ર સરકારના જ જવાબદાર મંત્રી રૂપાલા સાહેબ ખૂબ જ નિમ્ર કક્ષાની અભદ્ર ટીપ્પણી કરે ત્યારે કેટલો વિરોધાભાસ સર્જાય? તે ચિંતનીય છે, તેવું ક્ષત્રિય સમાજ માની રહ્યો છે.
વિદેશી વિધર્મી આક્રમણખોરો સામેના યુદ્ધમાં ક્ષત્રિય સમાજના યોદ્ધાઓ કેસરિયા કરીને વીરગતિ પ્રાપ્ત કરતા ત્યારે વિધર્મી દુશ્મનો પોતાના શરીરને સ્પર્શી ના શકે તેમજ પોતાના ચારિત્ર્ય, શીલ અને આત્મસન્માનને અખંડ રાખવા માટે જૌહર કરીને અગ્નિની જ્વાળામાં પોતાના દેહને હોમીને પંચ મહાભૂતમાં વિલન થઈ જનાર ક્ષત્રિય સમાજના આવા ગૌરવશાળી બહેન દીકરીઓ વિશે કેન્દ્ર સરકારના જ મંત્રી આવો નીંદનીય અને અપરાધજનક બકવાસ કરે તે શું ટીકાને પાત્ર નથી ? શું તે સજાને પાત્ર નથી ? તેવા વેધક સવાલો ની લાગણી ક્ષત્રીય સમાજમાં વ્યાપી રહી છે. 2047 માં ભારતને વિકસિત ભારત બનાવવા માટેની આપ સાહેબે શરુ કરેલી યાત્રામાં આવી હિનકક્ષાની માનસિકતા ધરાવતા વ્યક્તિ હોય તો કેટલા અંશે યોગ્ય છે? તેવો પ્રશ્ન ક્ષત્રીય સમાજ ઉઠાવી રહ્યો છે.
રૂપાલા સાહેબે માત્ર ક્ષત્રીય સમાજના જ બહેન દીકરીનું નહીં પરંતુ સમગ્ર ભારતના બહેન દીકરીઓનું અપમાન કરેલ છે. આપ ભારતીય સંસ્કૃતિ અને વિરાસત, સનાતન ધર્મ અને ભારતના ગૌરવશાળી ઈતિહાસના પ્રશંસક છો, અને એટલે જ આપ વૈદિક સંસ્કૃતિના પુનરુત્થાન માટે અનેક તીર્થસ્થાન ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન મંદિરોની કાયાકલ્પ કરી રહ્યા છો, ત્યારે ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ, મંદિરો, ગાય, અબડા અને દેશની પ્રજા માટે સદીઓ સુધી વિદેશી આક્રમણખોરો સામે અસંખ્ય યુદ્ધ લડીને પોતાના તથા પોતાના પરિવારના પ્રાણની આહુતિ આપનાર ક્ષત્રિય સમાજના જ બહેન દીકરીઓ વિશે અભદ્ર ટીપ્પણી કરનાર રૂપાલા સાહેબને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે ડટાવીને ક્ષત્રિય સમાજે દેશ માટે આપેલ પોતાના અમૂલ્ય અને અકલ્પનીય યોગદાન તેમજ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓની અસ્મિતાનું સન્માન કરવું, તેમણે ન્યાય અપાવવો એ આપની પવિત્ર ફરજ છે, તેવું ક્ષત્રિય સમાજ ઈચ્છી રહ્યો છે અને એટલે જ રૂપાલા સાહેબની ઉમેદવારી રદ કરવા માટે ઉગ્ર માંગણી કરી રહ્યો છે.
જે રીતે દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના રજવાડા રાષ્ટ્રને સમર્પિત કરીને દેશની ૪૦ % જેટલો ભુ-ભાગનો ત્યાગ રાજવીઓએ કર્યો છે તેવી જ રીતે રાજવીના ભાયાતો તેવા ક્ષત્રીયો પાસેથી જમીન લઈ લેવા માટે જમીન ટોચ મર્યાદા નિયમ, ઘરખેડ ડક્ક નિયમ, ખેડે તેનું ખેતર નિયમ તેમજ ગણોત ધારા જેવા ! કાયદાને કારણે પોતાના બાપદાદાના પરાક્રમ થકી, તેમજ પોતાના પૂર્વજોના માથાના બલિદાન થકી વાર મળેલી લાખો ઠેકટર જમીનો ક્ષત્રિયો પાસેથી ઝુટવી લેવામાં આવેલ. તેમજ સરદાર પટેલ સાહેબે શરુ કરાવેલા રજવાડાઓના સાલીયાણા પણ બંધ કરવામાં આવ્યા ત્યારે છતાપણ આ ક્ષત્રિય સમાજે કોઈ વિરોધ ન કર્યો, કોઈ પ્રતિકાર ના કર્યો તેમજ એકપણ આંદોલન કરીને રસ્તા ઉપર ન આવ્યા અને હસતા મુખે પોતાની મુલ્યવાન જમીન ગરીબ, વંચિત, શોષિત, પીડિત વર્ગને અર્પણ કરી દિધેલ કારણકે ક્ષત્રિય માટે ધનસંપત્તિ કે દોલત હંમેશા ગૌણ હોય છે, પરંતુ જ્યારે પોતાની ગરિમા, પોતાનું આત્મસન્માન, પોતાની શૌર્યગાથા, પોતાની અસ્મિતા, પોતાના સુવર્ણ ઈતિહાસ તેમજ પોતાની બહેન દીકરી ની લાજ અને મર્યાદાના સંદર્ભમાં કોઈ કાકરી ચાળો કરે ત્યારે આ ક્ષત્રિય સમાજ કોઈ કાળે સડન કરી જ ન શકે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પદ્માવતી ફિલ્મ ને રિલીઝ થતી અટકાવવા માટે થયેલ ઉગ્ર આંદોલન અને હાલમાં રૂપાલા સાહેબના નિવેદન ને કારણે ચાલી રહેલ ઉગ્ર વિરોધ અને આંદોલન છે.
ક્ષત્રીય સમાજ માં એવી લાગણી પ્રવર્તે છે કે, ક્ષત્રીયોના ત્યાગ, સમર્પણ અને બલિદાન કેટલા અમૂલ્ય છે તે જાણવું હોય તો સરકાર એક પ્રયોગ કરે કે જેવી રીતે ટોચ મર્યાદા, ઘરખેડ, ખેડૂત ડક અને ગણોત ધારા જેવા કાયદામાં હતું કે “ખેડે તેની જમીન” તેવી જ રીતે “કારખાનામાં કામ કરે તે કારીગરનું કારખાનું” એવો કાયદો લાવીને કારખાનામાં કામ કરતા ગરીબ કારીગરોને કારખાનાના માલિક બનાવવા જોઈએ. જો આવો કાયદો લાવવામાં આવે તો સરકારે કેટલા પ્રચંડ રોષ અને આક્રોશનો ભોગ બનવું પડે તેની કલ્પના પણ કરી શકાય નહીં.
જો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા તથા ઉત્તરપ્રદેશમાં પણ મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજની નારાજગીથી ભારતીય જનતા પાર્ટી એ ખુબ મોટું નુકસાન સહન કરવું પડે તેવી દહેશત છે, કારણકે આ મુદ્દે ઉક્ત રાજ્યોમાં બહોળું નેટવર્ક ધરાવતી કરણીસેના પણ આ આંદોલનમાં સામેલ થઈ છે જેથી ક્ષત્રિય સમાજના આ પ્રકોપની જ્વાળા ધીરે-ધીરે દેશના અન્ય રાજ્યોના ક્ષત્રિય સમાજમાં પણ પ્રસરે તેવી આ શંકા અસ્થાને નથી. જો એવું બનશે તો આપણા પક્ષ અને સરકાર માટે આ સારી નિશાની નથી તેવું બુદ્ધિજીવી વર્ગ માની રહ્યો છે. વિવિધ સમાજના બુદ્ધિજીવી આગેવાનો માની રહ્યા છે કે, રૂપાલા સાહેબને બદલે કડવા પાટીદાર સમાજના કોઈપણ અન્ય આગેવાનને રાજકોટ લોકસભાના ઉમેદવાર જાહેર કરીને માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજના પ્રચંડ જનસમર્થન માટે ભાજપે આ તક ઝડપી લેવી જોઈએ અને રાજ્યની સંભવિત વિષમ સ્થિતિને અટકાવી લેવી જોઈએ.
આ પત્ર લખીને મેં પક્ષના શિસ્તનો ભંગ કર્યો હોય તો દરગુજર કરશો. પરંતુ, પક્ષના એક વફાદાર સૈનિક તરીકે વાસ્તવિકતાનો ચિતાર રજૂ કરીને પક્ષને સંભવિત ગંભીર નુકસાની પ્રત્યે અંગુલીનિર્દેશ કરવો એ મારી ફરજ છે તેવું દ્રઢપણે માનતો હોવાથી આ પત્ર મેં આપશ્રીને લખ્યો છે. અમો પક્ષના ક્ષત્રિય સમાજના સૌ કાર્યકરો અને આગેવાનો પાર્ટી પ્રત્યેની અમારી વફાદારી અને પ્રમાણિકતાને કારણે વિચલિત થયા વિના પાર્ટીને કેમ ઓછું નુકસાન થાય તેવા શક્ય તમામ પ્રયાસો ખૂબ જ પ્રમાણિકતાથી કરી રહ્યા છીએ અને કરતા જ રહીશું. કારણ કે આ વિષમ સ્થિતિ અમારા બધા માટે પાર્ટી પ્રત્યેની ફરજ, નિષ્ઠા અને વફાદારીની અગ્નિપરીક્ષા છે ત્યારે એમાં ઉત્તીર્ણ થવું એ અમારી જવાબદારી પણ છે, તે અમે સૌ ખૂબ સારી રીતે સમજીએ છીએ એટલે ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરવા માટે અમે સૌ યથાશક્તિ શક્ય તમામ પ્રયત્નો પૂરી નિષ્ઠાથી કરી રહ્યા છીએ. સંતોષ થાય તેવો આપ શ્રી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી અને સન્માનનીય વડાપ્રધાન છો તેમજ પક્ષની પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્ય હોવાથી ક્ષત્રિય સમાજની માંગ મુજબનો યોગ્ય નિર્ણય લઈને સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને સંતોષ અપાવવા આપશ્રીને અંતઃકરણપૂર્વક વિનંતી કરું છું.
આપનો વિશ્વાસુ
(પ્રવીણસિંહ જે. જાડેજા.) મહામંત્રી જિલ્લા ભાજપ, જામનગર