જામનગર : જામનગરમાં ગુરુપૂર્ણિમાના દિવસે જ નાગાબાવાની ઠગ ટોળકીએ એક કારખાનેદારને આશીર્વાદ આપવાનો જાસો રચી દોઢ લાખની કિંમતનો સોનાનો ચેઈન સિફતતા પૂર્વક પડાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમાજને લાલબતી ધરતા આ કિસ્સાથી નાગરિકોને સચેત રહેવાની જરૂર છે.
જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે શાલીભદ્ર એપાર્ટમેંટમાં રહેતા કારખાનેદાર તુષાર વિષ્ણુપ્રસાદ ઠાકર નામના વૃદ્ધ ગઈ કાલે પોણા અગ્યારેક વાગ્યે પોતાનું સ્કુટર લઇ ખંભાલીયા બાય પાસ રોડ પર આવેલ સાંઢીયા પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે એક કારમાં સવાર નાગાબાવા જેવા લાગતા સાધુ અને તેની સાથેના અન્ય બે સખ્સોએ સ્કુટરને રોકાવી લીધું હતું.
ત્યારબાદ નાગાબાવા જેવા સખ્સે વૃદ્ધને આશીર્વાદ લેવાનું કહ્યું હતું જેને લઈને વૃદ્ધ નીચે નમી આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે જ બાવા જેવા સખ્સે સીફ્તતા પૂર્વક વૃદ્ધ કારખાનેદારના ગળામાંથી રૂપિયા ૧.૪૭ લાખની કીમતનો ૪૯ ગ્રામ વજનનો સોનાનો ચેઈન સેરવી લીધો હતો. વૃદ્ધની નજર ચૂકવી આ ટોળકી સોનાનો ચેઈન લઇ જતા વૃદ્ધને મોડે મોડે જાણ થઈ હતી. જેને લઈને તેઓએ સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે સીટી સી ડીવીજન પોલીસના પીએસઆઈ એમએન જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.