જામનગર અપડેટ્સ : જામનગરમાં દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ફેસ બે માં આવેલ વિશાલ ચોક નજીકના કારખાનામાં શ્રમ આયુક્ત કચેરીની ટીમે ચેકિંગ કરતા મજુરી કામ કરતો એક બાળક મળી આવ્યો છે. તંત્રની ટીમે બાળ મજુરને છોડાવી કારખાનેદાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
જામનગર નજીક દરેડ ગામે આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં અનેક કારખાનાઓમાં બાળકો પાસે મજુરી કામ કરાવવામાં આવતું હોવાની ફરિયાદો મળતા શ્રમ આયુક્ત કચેરીની ટીમે ગઈ કાલે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં વિશાલ ચોક રોડ, ફેઝ-૨માં આવેલ રવિ પ્રોડક્ટ નામના કારખાનામાંથી ૧૪ વર્ષથી નીચેની ઉમર ધરાવતો એક બાળક મજુરી કામ કરતો મળી આવ્યો હતો. જેથી તંત્રની ટીમના ઓફિસર ડીડી રામીએ પંચ રોજકામ કરી કારખાનેદાર રવીકુમાર કેશવકુમાર નકુમ સામે પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ચાઇલ્ડ લેબર ( પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન ) એમેન્ડમેન્ટ એકટ-૧૯૮૬ની કલમ-૩ મુજબ ફરિયાદ નોંધાવી હતી.