જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ચંગા ગામના યુવાને પ્રેમ સબંધ બંધ લગ્નનું વચન આપી બીજી યુવતી સાથે લગ્ન નક્કી કરી લેતા આઘાત પામેલ પ્રેમિકાએ દવા પી જીવ દીધો હોવાની ઘટના સામે આવી છે. યુવતીની માતાએ આરોપી સામે પુત્રીને મરી જવાની દુષ્પ્રેરણા આપવા સબબ ફરિયાદ નોંધાવી છે.
પ્રેમની વેદી પર અનેક પ્રેમીઓએ બલિદાન આપ્યા છે. પરંતુ પ્રેમમાં જ દગો મળે ત્યારે તૂટેલ હૈયા એવા અનેક પ્રેમીઓ અને પ્રેમિકાઓ નાશીપાસ થઇ જીવ દઈ દેતા ખંચકાતા નથી આવો જ એક બનાવ જામનગર ખાતેથી સામે આવ્યો છે. જેમાં જામનગરમાં નવા ગામ ઘેડ વિસ્તારમાં ગોપાલ ચોક પાસે બાપુનગરમાં રહેતી યોગીતાબા અજીતસિંહ રાઠોડ નામની યુવતીને ચંગા ગામના દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ ચાવડા રહે.ચંગા ગામ તા.જી.જામનગર સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.
દિવ્યરાજસિંહે ચાર-પાંચ વર્ષ પ્રેમ સબંધ રાખી, આ સબંધનો ખોટો ઉપયોગ કરી, લગ્ન કરવાનુ લખાણ કર્યા બાદ પ્રેમ સબંધમાં દગો દઇ, પોતાના લગ્ન બીજી જગ્યાએ નક્કિ કરી નાખી પ્રેમિકા યોગિતાબા સાથે દગો કર્યો હતો. પ્રેમીનો દગો સહન નહિ થતા યુવતી યોગિતાબાએ પોતાના ઘરે દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પરિવારજનોએ તેણીને દવાખાને ખસેડી હતી. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે યુવતીના માતા કુસુમબાએ સીટી એ ડીવીજન પોલીસમાં આરોપી દિવ્યરાજસિંહ સામે પુર્ત્રીને આપઘાતની દુષ્પ્રેરણા આપવા સબબની ફરિયાદ નોંધાવી છે જેને લઈને પીએસઆઈ વી.આર.ગામેતી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.