જામનગર : આજે જામનગરમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપના કોર્પોરેટર બનવા કાર્યકરોમાં હોડ લાગી છે. 64 કોર્પોરેટર પદના ઉમેદવાર માટે 500 ઉપરાંત દાવેદારો નોંધાયા છે. ત્યારે આજે શહેરના ત્રણ સ્થળોએ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયામાં અનેક દાવેદારો ઉમટી પડ્યા છે. નગરસેવીકા બનવા માટે એવા પણ અનેક કાર્યકરો આવ્યા પણ એક એવા કાર્યકારે દાવેદારી નોંધાવી જે મહિલા ઉમેદવારના પિયરમાં શુભ પ્રસંગ છે. આ પ્રસંગ વચ્ચે પણ મહિલાએ કોર્પોરેટર બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે. એક તરફ પોતાના ભાઈની સગાઈનો પ્રસંગ ચાલુ હતો બીજી તરફ સેન્સ પ્રક્રિયા, આ બંને પ્રસંગ વચ્ચે તાલમેલ કરી મહિલા દાવેદારએ પોતાની દાવેદારી નોંધાવી છે.
મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપ દ્વારા 16 વોર્ડના 64 ઉમેદવારોની પસંદગી માટેના ઇન્ટરવ્યૂનો ધમધમાટ શરૂ થયો છે. આજે જુદી જુદી ત્રણ જગ્યાએ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કુંવરબાઈ ધર્મ શાળામાં રાખવામાં આવેલ પ્રક્રિયા દરમિયાન એક એવું યુગલ આવ્યું કે જેઓ ઘરે અંગત સામાજિક પ્રસંગ હતો. વોર્ડ નમ્બર તેરના મહિલા મોરચાના ઉપપ્રમુખ અમરીનબેન હુસેનભાઈ બ્લોચએ દાવેદારી નોંધાવી છે. પોતાના ભાઈનો સગાઈ પ્રસંગ અને પોતાની દાવેદારી, આ બંને પ્રસંગમાં હાજરી આપવી તેણીની માટે અગત્યની હતી. અમરીનબેને આ બંને પ્રસંગ વચ્ચે સમય બાધા ન બને તે રીતે બંને પ્રસંગ સાચવી લીધા છે. પોતાના ભાઈના સગાઈ પ્રસંગ વચ્ચે પણ આ મહિલાએ પોતાની આગામી સામાજિક અને રાજકીય જવાબદારી નિભાવવા વધુ એક કદમ આગળ વધ્યા છે.