જામનગર: બેડી મરીન પોલીસકર્મી ટેબલ નીચેથી ૧૧૦૦૦ લેતા પકડાઈ ગયો

0
1704

જામનગર જીલ્લા પોલીસ દફતરનો વધુ એક પોલીસ કર્મચારી એન્ટી કરપ્શનની ઝપટે ચડી ગયો છે. બેડી મરીન પોલીસ દફતરમાં ફરજ બજાવતા કર્મચારીએ કોલસાના વાહન પરિવહનમાં અડચણ ઉભી ન કરવા માટે લાંચ માંગી હોવાનું એસીબી સુત્રોમાંથી જાણવા મળ્યું છે. એસીબીએ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં એન્ટી કરપ્શન વિભાગની ટીમે વધુ એક સફળ ટ્રેપ  પાર પાડી છે. શહેર નજીકના બેડી મરીન પોલીસ દફતરમાં ફરજ બજાવતા ઘનશ્યામસિંહ જાડેજા નામના કર્મચારીએ એક આસામી પાસેથી પોતાના બંદર તરફ કોલસા ભરેલ આવાગમન કરતા વાહનોના સુચારુ પરિવહન માટે લાંચની માંગણી કરી હતી. પોલીસકર્મીએ વાહનનોનું પરિવહન બેરોકટોક ચાલુ રહે તે હેતુથી વાહનોના માલિક પાસેથી રૂપિયા અગ્યાર હજારની લાંચની માંગણી કરી હતી. જો કે વાહન માલિકને લાંચ આપવી ન હોવાથી જામનગર એન્ટી કરપ્શનની ટીમનો સંપર્ક કર્યો હતો. જેને લઈને પીઆઈ પરમાર સહિતની ટીમે આજે સવારે બેડી મરીન પોલીસ દફતરના વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં આ ઘનશ્યામસિંહ જાડેજા નામનો પોલીસકર્મચારી રૂપિયા ૧૧ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એસીબીએ પોલીસકર્મીની અટકાયત કરી ભ્રસ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી છે. એસીબીની ટીમ હાલ આરોપી પોલીસ કર્મચારીને એસીબી કચેરી લઇ ગઈ છે. આવતી કાલે આરોપી પોલીસકર્મીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here