જામનગરમાં ગઈકાલે બની ગયેલા હાઈ પ્રોફાઈલ હુમલા પ્રકરણની વિધિવત ફરિયાદ નોંધાવાઈ ગઈ છે, તેમ પોલીસ દાવો કરી રહી છે શહેરના નામાંકિત બોક્સાઈટ ધંધાર્થી અરવિંદભાઈ પાબારી ગઈકાલે પોતાની કારમાં બેસી ચાલક કાદરભાઈ સાથે પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ખોડીયાર કોલોની વિસ્તારમાં પોતાના ઘર નજીક જ ત્રણ અજાણ્યા શખ્સોએ કાર આડે સ્કુટર રાખી લાકડના ધોકા વડે હુમલો કર્યો હતો. ત્રણેય શખ્સોએ ગાડીના કાંચ તોડી નાખતા કારમાં બેઠેલા ધંધાર્થીને બન્ને હાથના ભાગે ઈજા પહોચી હતી.
તમારા દીકરા જય પાસે અમારે રૂપિયાનો હિસાબ બાકી છે, તે રૂપિયા અમને કઢાવતા આવડે છે. અમારો હિસાબ નહી આપો તો જાનથી મારી નાખીશું તેમ કહી ત્રણે શખ્સોએ બળજબરીથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી,વેપારીને બીવડાવી મુંઢ ઈજા પહોચાડી હતી. ત્રણ પૈકીના બે શખ્સોએ માસ્ક પહેર્યા હતા ત્યારે એક શખ્સ ખુલ્લા મોઢે હતો. હિસાબના પૈસા આપી દેજો નહિતર તને અને તારા દીકરાને જીવતા રહેવા દેશું નહી તેમ ધમકી આપી રૂપિયા પડાવવા માટે આ હુમલો કરાયો હોવાનું વિશ્વસનીય પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે હાઈ પ્રોફાઈલ બની ગયેલા આ પ્રકરણની પોલીસના મત મુજબ ફરિયાદ નોંધાવાઈ ગઈ છે પરંતુ દરરોજ પત્રકારોને આપવામાં આવતા રીપોર્ટમાં આ ફરિયાદ આવી જ નથી. તો શું ફરિયાદ નોંધાવાઈ છે કે પછી અરજી લેવામાં જ આવી છે કે પછી પોલીસે જાણી જોઇને આ ફરીયાદ પત્રકારો સુધી પહોચતા અટકાવી છે. તે બાબતનો તાગ મળ્યો નથી.