જામનગર : જામનગરમાં સતત વધી રહેલ કોરોના સંક્રમણને લઈને આજે સાંજે કલેકટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાંને નાથવા માટે તંત્રએ અંતિમ પ્રયાસ હાથ ધર્યા છે. જામનગર શહેર ઉપરાંત ધ્રોલને પણ આ પ્રતિબંધમાં સમાવી લેવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં લોકલ સંક્રમણ તીવ્ર ગતિએ વધ્યા બાદ ગ્રામ્ય સ્તરે પણ સતત કેસ વધવા લાગતા આજે વહીવટી તંત્રએ અંતિમ પ્રયાસ રૂપે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં લોકલ સંક્રમણમાટે શહેરના પાન-મસાલાની સોપ, લારી અને ગલ્લા તેમજ ચાની હોટેલ વધુ જવાબદાર હોવાનું સામે આવતા તંત્રએ આજે પ્રતિબંધ મુક્યો છે.
આવતીકાલ તા.૧૮મીથી આગામી તા ૨૬/૭ સુધીના એક સપ્તાહના ગાળા સુધી શહેર અને ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં ચા. પાન-મસાલા, ગુટકાનું વેચાણ કરતા લારી, ગલ્લા અને દુકાન બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સમયગાળા સુધી ઉપરોક્ત તમામ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ નિર્ણય બાદ હવે કોરોના સંક્રમણ રોકવા માટે માસ્ક પર સખ્તાઈ આવી શકે છે. અન્ય મહાનગરપાલિકાઓની જેમ આગામી સમયમાં જામનગરમાં પણ માસ્ક વિહોણાઓના રૂપિયા ૨૦૦ દંડ છે તે રૂપિયા ૫૦૦ થવાની દિશા તરફ તંત્ર આગળ વધી રહ્યું છે. નજીકમાં જ આ દંડાત્મક ભાવ વધારો પણ અમલી બનશે એમાં શંકાને સ્થાન નથી.