જામનગર અપડેટ્સ : જામનગરમાં નવાગામ ઘેડ આનંદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ખાનગી સિક્યુરિટી ના સંચાલક ના રહેણાંક મકાનને ગઇરાત્રે કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાન ના તાળા તોડી અંદર પ્રવેશ કરી અંદર રહેલી તિજોરીમાંથી ૧૦૦ તોલા સોનાના દાગીનાની ઉઠાંતરી કરી લઈ ગયા નો કિસ્સો સામે આવતાં ભારે સનસનાટી મચી ગઈ છે.પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને તસ્કરો ને પકડવા માટે ધમધમાટ શરુ કરી દીધો છે.
મકાન માલીક નો પરિવાર બે માળ ના મકાનમાં ઉપર રહે છે, જ્યારે માતા-પિતા નીચે રહેતા હતા. દરમિયાન માતાનું મૃત્યુ થવાથી બંધ રહેણાંક ના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને હાથ ફેરો કર્યો હતો. કોઈ જાણભેદુ તસ્કરોનું કારસ્તાન હોવાનું અનુમાન લગાવી પોલીસે તે દિશામાં તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસ વિસ્તારના સીસીટીવી કેમેરાઓ પણ તપાસવાનું શરૂ કરી દેવાઇ છે.
જામનગર શહેરમાં ભારે સનસનાટી મચાવી દેનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આનંદ સોસાયટી માં બે માળનું મકાન ધરાવતા અને જામનગરમાં રોયલ રાજપુતાના નામની ખાનગી સિકયુરિટી એજન્સી ચલાવતા આફતાબભાઈ મુનવર અલી શેખ ના બે માળ પૈકીના નીચેના ભાગના બંધ રહેણાંક મકાનને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી દીધું હતું, અને મુખ્ય દરવાજાની અંદર પ્રવેશ કરી ઘરના દરવાજાનું તાળું તોડી નાખ્યું હતું. અને મકાનની અંદર ઘૂસી ગયા પછી દિવાલમાં ફીટ કરેલી લાકડાની તિજોરી ના દરવાજા નો પણ લોક તોડી નાખ્યો હતો.
તસ્કરોએ અન્ય કોઈ કબાટ કે ચીજવસ્તુને અડ્યા વિના માત્ર તિજોરી તોડી નાખી હતી, અને તેમાં રાખવામાં આવેલી પાંચ ભાઈઓ ના પરિવારની સંયુક્ત મિલકત પૈકીના ૧૦૦ તોલા સોનાના દાગીના ની ચોરી કરી લઈ ગયા હતા.
રાત્રિના ૧૧ વાગ્યે આફતાબ ભાઈ નીચે બાથરૂમ કરવા આવ્યા હતા, ત્યારે દરવાજા વગેરે સહી સલામત હતા. ત્યાર પછી સવારે સાત વાગ્યે ઊઠીને નિરીક્ષણ કરતાં દરવાજાનું તાળું અને અંદર તિજોરી ખાલી ખમ જોવા મળતા હતા. જેથી તૂરતજ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી એલસીબી એસઓજી અને સીટી બી ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મકાનમાલિક ઉપર સુતા હતા, મકાનમાં કોઈ ન હતું
ફરિયાદી આફતાબભાઈ ના માતા પિતા નીચેના ભાગે રહે છે, પરંતુ તાજેતરમાં જ માતાનું અવસાન થયું હોવાથી પિતા બાજુમાં જ રહેતા જહાંગીરભાઈ ના ઘેર રોકાવા ગયા હતા, અને પાંચ દિવસથી નીચેનો દરવાજો બંધ રહેતો હતો. જેથી કોઈ જાણભેદુ તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી લીધી હતી.મકાનમાં અથવા તો આજુબાજુમાં કોઇ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસે રહેણાંક મકાનમાંથી થોડે દૂર અન્ય પાંચ થી છ સીસીટીવી કેમેરાના આધારે મોડી રાત્રિ દરમિયાન કોઈની અવરજવર છે કે કેમ? તે ચકાસવાનું શરૂ કર્યું છે.
પાંચેય ભાઈઓની પત્નીના દાગીના હતા
મકાન માલિક આફતાબભાઈ અને તેના અન્ય પાંચ ભાઈઓ નો સંયુક્ત પરિવાર છે જેમાં એક ભાઈ સુરત રહે છે, જ્યારે અન્ય બે ભાઈઓ કે જેઓ નિવૃત આર્મીમેન છે, તે સહીત ચાર ભાઈ આસપાસના વિસ્તારમાં જ રહે છે, અને પાંચેય ભાઈઓ ના પત્ની વગેરેના સોનાના દાગીના માતા-પિતા વાળા રૂમ માં રાખેલા હતા, જ્યાંથી કોઇ તસ્કરો ઉઠાવી ગયા છે. જે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.