જામનગર અપડેટ્સ : જામજોધપુર તાલુકાના ચૂર ગામના બે મહિલા સરપંચએ વર્ષ 2016 અને 2017માં વિકાસ કામ કર્યા વગર જ નાણાં ઉધારી લઈ સરકારી નાણાંની ઉચાપત કર્યાની એસીબીએ સતાનો દૂર ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધી છે. એસીબીએ ફરિયાદ નોંધતાની સાથે જ બંનેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર લીધા હતા. જેમાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના તત્કાલીન મદદનીશ ઈજનેરની ભૂમિકા સામે આવતા આજે જામનગર એસીબીએ તેંની ધરપકડ કરી કોવિડ ટેસ્ટ પૂર્ણ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી વર્ષના પ્રારંભે યોજાય તે પૂર્વે બે સરપંચ સામે એસીબીએ કાર્યવાહી કરતા સનસનાટી મચી ગઇ છે.જેની વિગત મુજબ, જામજોધપૂરના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પ્રફુલ્લચંદ્ર દામજીભાઇ સંચાણીયાએ તાલુકાના ચૂર ગામે વર્ષ 2016-17માં થયેલ વિકાસ કાર્યની ગેરરીતિ અંગે એસીબીમાં અરજી કરી હતી. જેના અનુસંધાને એસીબીની તપાસમાં તમામ હકીકત સામે આવતા રવિવારે એસીબીએ બંને તત્કાલીન મહિલા સરપંચ સામે ફરિયાદ નોંધી હતી. જેમાં તત્કાલીન સરપંચ મુરીબેન નથુભાઇ રાઠોડ અને નિતેશસિંહ ગંભીરસિહં જાડેજા ચુર ગામમાં ચુર ગ્રામપંચાયત દ્વારા સને ૨૦૧૬ થી સને ૨૦૧૭ના વર્ષમાં સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ થયેલ વિકાસના કામો પૈકી રબારીવાસમાં પાણીની ટાંકી તથા ગામતળમા પાઇપ લાઇનનું કામ થયેલ ન હોવા છતા તત્કાલીન સરપંચ તરીકે આ બન્ને કામ પેટે રૂા.૧,૮૯,૪૦૦નું સબંધીતોને ગેરકાયદેસર ચુકવણું કરી નાખ્યું હતું. તથા આ ચુકવણા કરતા પૂર્વે જવાબદાર અધિકારી કર્મચારીઓએ સ્થળ ઉપર કામ થયાની ખાતરી કર્યા વગરમાપ પોથીમાં ખોટા માપોની નોંધ કરી, ગેરરીતી કરી,કામ થયેલ ન હોવા છતા કમ્પલીશન સર્ટીફીકેટ આપી દેવામાં આવ્યા હતા. આ કામના સબંધિતોના નામના વાઉચરો બનાવી,કામ થયેલનું દર્શાવી,કામ અંગે ખોટી માપ પોથી તથા ખોટા કમ્પલીશન સર્ટી બનાવી ,ખોટું દસ્તાવેજી રેકર્ડ ઉભુ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી,આ બંન્ને કામો પેટે રૂા.૧,૮૯,૪૦૦નુ ચુકવણું કરી ,એકબીજાનું મીલાપીપણું કરી ,પોતાની સત્તાનો દુરઉપયોગ કરી,અનુચીત લાભના હેતુ થી , પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગુન્હાહીત કાવતરૂ રચી,વિકાસના કામોમાં ગંભીર પ્રકારની નાંણાકીય અનિયમીતતા આચરી,વિકાસના બંને કામો ન થયેલ હોવા છતા સબંધીતોને રૂપિયાનું ચુકવણું કરી ગેરકાયદેસર આર્થીક લાભ કરાવી સરકાર સાથે ગુન્હાહીત વિશ્વાસઘાત કર્યો હોવાનું આરોપ લગાવ્યો છે.સરકારી નાણાની ઉચાપત કરી સરકારશ્રીને આર્થિક નુકશાન કર્યું હોવાનો આરોપ લગાવાયો છે. એસીબીએ આ બંને સામે એસીબીએ કલમ ૪૦૬, ૪૦૯, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૩૪ તથા ભ્ર.નિ. અધિ. સને ૧૯૮૮ (સુધારો-૨૦૧૮) ની કલમ-૧૩(૧)(એ), ૧૩(ર) તથા ૧ર મુજબ ફરિયાદ નોંધી જામનગર એસીબીના પીઆઈ એ.ડી.પરમાર સહિતના સ્ટાફે બંનેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ કામનું સુપર વિજન જામનગર જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા અધિક મદદનનિશ ઈજનેર દર્શન હસમુખભાઈ પરમાર નામના તાત્કાલિક કર્મચારીએ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ સરકારી બાબુએ દરરોજનું સુપર વિજન કરવાનું હોય છે અને જે તે જગ્યાએ રૂબરૂ નિરીક્ષણ કરી કામ પૂર્ણ થયે કંપલીશન સર્ટિફિકેટ આપવાનું થાય છે. આ કામ થયું ન હોવા છતાં આ સરકારી બાબુએ કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર આપી દીધું હોવાનું એસીબીના પીઆઇ પરમારે જણાવ્યું છે. જેને લઈને આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
આવતીકાલે આ સરકારી બાબુને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવશે. આ પ્રકરણમાં વધુ નામ ખુલવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.