જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓની સમસ્યા યથાવત રહી છે, અને પંચેશ્વર ટાવર વિસ્તારમાં વધુ એક વાહન ચાલક રઝળતા પશુની હડફેટે ચડ્યા છે, પરંતુ સદનશીબે તેઓનો બચાવ થયો છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, અને તંત્રની લાપરવાહી સામે આવી છે.
જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રસ્તે રઝળતા પશુઓનો અડીંગો વધતો જાય છે. આસપાસના વિસ્તારમાં ભરવાડ લોકોની મોટી વસાહત છે, અને તેઓ પાસે સંખ્યાબંધ ઢોર છે. જે તમામ ઢોર પોતાના વાડામાં બાંધવાના બદલે પંચેશ્વર ટાવર સહિતના આસપાસના વિસ્તારમાં છુટા મૂકી દે છે, જેના કારણે અનેક રાહદારીઓ તેમજ વાહન ચાલકો રસ્તે રઝળતા પશુઓનો ભોગ બને છે.
આવો જ એક કિસ્સો તાજેતરમાં ત્યાં બન્યો છે, અને એક વાહન ચાલકને રસ્તે રઝળતા પશુએ હડફેટમાં લીધા હતા, અને તેઓને વાહન પરથી ફંગોળી નાખ્યા પછી ઢીંક મારવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સદનશીબે વાહનચાલક ભાગવા સફળ થયા હતા, અને તેઓનો બચાવ થયો હતો.
જે સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, અને મહાનગરપાલિકાના તંત્રની લાપરવાહી સામે આવી છે, ત્યારે રસ્તે રઝળતા પશુ ને પકડવાની ઝુંબેશ ક્યાં અટકી ગઈ, તે પણ લોકો દ્વારા પુછાઈ રહ્યું છે.