જામનગર : જામનગર નજીક દરેડ જી.આઇ.ડી.સી. બી રોડ ફેસ-થ્રી પ્લોટ નં. ૩૩૨૬ ના કારખાનામાં એક સખ્સ બે રૂમ પાર્ટનર પર છરી અને હથોડી વડે હુમલો કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. એક યુવાનનું છરી વડે ગળું વાઢી લેતા અને અન્ય પર હથોડી વડે હુમલો કરી ઘાતક ઈજા પહોચાડતા બંનેને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી છે. જયારે વચ્ચે છોડાવવા ગયેલ અન્ય એક યુવાનને કાનના ભાગે ઈજા પહોચી છે. ગંભીર રીતે ઘવાયેલ બે પૈકી એકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મશ્કરી કરવા બાબતે યુવાનને બંને શ્રમિકો પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
લાલપુર રોડ પર આવેલ દરેડ ગામે જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નં. ૩૩૨૬ બી રોડ ફેસ-થ્રીમાં ગઈ કાલે રાત્રે આશીષકુમાર છોટેલાલ જાટવ ઉ.વ. ૨૬, મુળ રહે. ખુદારી ગામ તા. માંદોગઢ થાના રેંડર જી. જાલોન ઉતરપ્રદેશ વાળા યુવાન અને સીશુપાલ ઉવ ૨૦ અને વીકી પરસુરામ ઉવ ૨૧ નામના નિંદ્રાધીન યુવાનો પર સુદામા આશારામ કુશ્વાહા રહે. દરેડ જી.આઇ.ડી.સી. પ્લોટ નં. ૩૩૨૬ બી રોડ ફેસ-થ્રી તા.જી. જામનગર મુળ રાયપુરા ગામ જી. ભીંડ મધ્યપ્રદેશ વાળા સખ્સે છરી અને હથોડી વડે હુમલો કર્યો હતો. યુવાનોને મારી નાખવાના ઈરાદે તેઓના રૂમમાં જઇ શીશુપાલને ગળાના ભાગે છરી વતી ગંભીર ઇજા કરી તથા વીકીને કપાળના ભાગે તથા ગાલ ઉપર હથોડી તથા ગળાના ભાગે છરી વતી ગંભીર ઇજાઓ હતી. આ ઘટના સમયે હા હો થઇ જતા ઉઠી ગયેલ આશિષએ છોડાવવા વચ્ચે પડતા આરોપીએ તેને ડાબા કાન ઉપર હથોડીથી ઇજા કરી હતો. ત્યારબાદ પણ મારી નાખવા છે તેવી ધમકી આપી આરોપી નાશી ગયો હતો. આ બનાવના પગલે બંને ગંભીર રીતે ઘવાયેલ યુવાનોને તત્કાલીક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પંચકોશી બી ડીવીજનનો સ્ટાફ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ દોડી ગયો હતો. આ બનાવ અંગે અશીશે આરોપી સામે હત્યા પ્રયાસ અને ધમકી આપવા સબબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાત્રે ત્રણેય યુવાનો પોતાના રૂમમાં એકબીજાની અંદરો અંદર ઠઠા મસ્કરી કરી દેકારો કરતા હતા ત્યારે આરોપીએ કહ્યું હતું કે સુવાનુ છે દેકારો નહી કરવાનુ, છતાં પણ ત્રણેય યુવાનોએ આરોપીની મસ્કરી ચાલુ રાખી હતી. જેને લઈને આરોપી એકદમ ગુસ્સે થઇ કહ્યું હતું કે હું તમોને જોઇ લઇશ તેમ કહી સુઇ ગયો હતો અને મોડી રાત્રે ત્રણેય યુવાનો પોતાના રૂમમાં સુતા હતા ત્યારે આરોપીએ પોતાની સાથે થયેલ મસ્કરીનો બદલો લેવા હથોડી અને છરી વડે હુમલો કરી તૂટી પડ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ઇન્ચાર્જ પીએસઆઈ ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.