જામનગર: ખાનગી કંપનીમાં નોકરી કરતી બે યુવતીઓના એકટીવાને ટ્રકની ઠોકર, એકનું મોત

0
972

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલ વાકિયા ગામ પાસે પેટ્રોલ પંપ સામેના રોડ પર પુર ઝડપે દોડતા ટ્રકે એક એકટીવાને પાછળથી ઠોકર મારી નીપજાવેલ અકસ્માતમાં એક યુવતીનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્યને સામાન્ય ઈજાઓ પહોચી છે. રાજકોટ રહેતી બંને યુવતીઓ જે કંપનીમાં નોકરી કરે છે તે કંપનીની જામનગર ખાતે યોજાયેલ મીટીંગમાં હાજરી આપી પરત રાજકોટ તરફ જતી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની ગઈ હતી.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલથી ત્રણ કિમી દુર આવેલ વાંકિયા ગામના પેટ્રોલ પંપની સામેના રોડ પર ગઈ કાલે સાંજે સાતેક વાગ્યાના સુમારે રાજકોટ તરફ જતા GJ-03-LK-5512 નંબરના એકટીવા મોટરસાયકલને પાછળથી પુર ઝડપે આવેલ એમએચ 46-F-4264 નંબરના ટ્રકે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો જેમાં રાજકોટમાં ગુરૂક્રુપા સોસાયટી શેરી નં-૨ ૮૦ ફુટ મેઇન રોડ પર રહેતા ખુશાલીબેન રમેશભાઈ સખીયા અને હશનવાડી-૨ બંધ શેરી ભગતીનગરમાં રહેતી નમ્રતાબેન ગુણવંતભાઈ ચોટલીયા નામની યુવતીઓ એકટીવા પરથી ફંગોળાઈ ગઈ હતી.

 જેમાં એકટીવા પાછળ બેસેલ નમ્રતાબેનને માથામા તથા શરીરે ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું જયારે ચાલક ખુશાલીબેનને કપાળે તથા માથામા સામાન્ય ઇજા પહોચી હતી. અકસ્માત નીપજાવી ચાલક ટ્રક લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે ખુશાલીબેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS