જામનગર: બહેન સાથેના પ્રેમ સબંધને લઈને ભાઈએ નીપજાવી યુવાનની હત્યા

0
1574

જામનગરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો છે. હાપા રેલ્વે વિસ્તારમાં રહેતા એક ચારણ યુવાન મિત્રો સાથે પાનની દુકાને ઉભો હતો ત્યારે છરી સાથે આવેલ એક સખ્સે એક જીવલેણ ઘા મારી યુવાનને પતાવી દઈ નાશી છૂટ્યો હતો. મૃતક યુવાનને આરોપીની બહેન સાથેના પ્રેમ સબંધ હત્યાનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ઘરી છે. યુવતીના લગ્ન થઇ ગયા બાદ અને સમાધાન થયા બાદ પણ મૃતકે યુવતી સાથે સબંધ રાખતા ઉસ્કેરાયેલ યુવતીના ભાઈએ યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાનું  જાહેર થયું છે.

જામનગરમાં એક માસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે. જામનગરના હાપા ખારી વિસ્તારમાં રહેતા વાલસુર ધનરાજભાઇ ઉર્ફે ધાધાભાઇ વીરના યુવાન ભાઈ વિજ્સુરને બાવરી વાસમાં રહેતા આરોપી સુનિલ ચેતનભાઇ ડાભીની બહેન નયના સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. પ્રેમ સબંધની પરિવારને જાણ થતા યુવતી નયનાના તેની જ જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. જો કે લગ્ન થયા બાદ પણ યુવતી અને યુવત્ક વિજ્સુરએ સબંધ ચાલુ રાખ્યા હતા  અને યુવતી અને યુવક નિયમિત ફોન પર વાત કરતા હતા. આ સબંધની જાણ નયનાના સસરા પક્ષમાં થઇ જતા પરિવારમાં ઝગડાઓ શરૂ થયા હતા. આ બાબતને સમાજ લેવલે લઇ જઈ વીજસુરને પોતાની જ્ઞાતિ લેવલે આરોપી સુનિલના પરીવાર સાથે સમાધાન થયા હતા.

આ સમાધાન થયા હોવા છતા આરોપી સુનિલ ચેતનભાઇ ડાભીના મગજમાંથી વિજ્સુર અને બહેનના સબંધો જતા ન હતા. આખરે એ પ્રેમ સબંધનો અંત લઈ આવવા આરોપી સુનીલે વીજસુરને પતાવી દેવાના ઈરાદે ગઈ કાલે ખૂની ખેલ ખેલ્યો હતો. ગઈ કાલે બપોરે વિજ્સુર તેના મિત્રો સાથે હાપા ખારી બાવરીવાસ લાલુભાઇની દુકાન પાસે ઉભો હતો ત્યારે આરોપી સુનિલ ડાભી ત્યાં છરી લઇને ધસી ગયો હતો અને વિજ્સુર કઈ વિચારે તે પૂર્વે જ આરોપીએ વીજસુરને જમણા પડખાના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો. આ એક ઘાથી વિજ્સુરના શરીરમાંથી લોહીના ફુવારા વછૂટ્યા હતા અને ત્યાં જ ઢળી પડ્યો હતો. આ બનાવના પગલે આરોપી નાશી છૂટ્યો હતો.

દરમિયાન ગંભીર હાલતમાં યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ વાલસુરએ આરોપી સુનીલ સામે ભાઈની હત્યા નીપજાવવા સબંધે પંચકોશી  એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસી તાત્કાલિક નાકાબંધી કરી આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી છરી કબજે કરવા કાર્યવાહી  હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here