જામનગર ટ્રાફિક શાખા દ્વારા ડિટેઇન કરવામાં આવેલ વાહનો પણ સલામત નહીં હોવાની વિગતો સામે આવી છે. ટ્રાફિક શાખા દ્વારા ડિટેઇન કરી પોલીસ હેડ કવાર્ટરમાં રાખેલ વાહનો પૈકી એક મોટરસાયકલની ચોરી થઇ હોવાની જામનગર સીટી બી ડિવિઝન પોલીસ દળમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ટ્રાફિક શાખા દ્વારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ટ્રાફિક શાખા દ્વારા દરરોજ ટ્રાફિક નિયંત્રણ માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ કાર્યવાહી અંતર્ગત તારીખ 22/ 3 ના રોજ ટ્રાફિક શાખા દ્વારા શહેરના ચોક્કસ વિસ્તારમાંથી એકટીવા સહિતના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા ડિટેઇન કરેલા વાહનો પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉભા કરવામાં આવેલા ટોઇંગ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા દરમિયાન ટોલ સ્ટેશનમાંથી ડિટેઇન કરવામાં આવેલ એક બ્લેક કલરની એકટીવા મોટરસાયકલ ચોરી થઇ જવા પામી છે.
છેલ્લા ત્રણેક મહિનાના ગાળા દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલએ સીટી બી ડિવિઝન પોલીસમાં અજાણ્યા ચોર સામે એકટીવા ચોરીની ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસ દળના એએસઆઈ એ બી ચાવડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
છેલ્લા લાંબા સમયથી શહેરમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ડ્રોઈંગ સ્ટેશનમાંથી પણ વાહન ચોરાઈ જતાં, પોલીસની નજર સામેથી વાહનની ઉઠાંતરી થઈ જતા શહેરમાં એક ચર્ચા ચાલી રહી છે કે હવે પોલીસના કબજાના વાહનો પણ સલામત નથી ત્યારે ગલી શેરીઓમાં પાર્ક કરવામાં આવેલા વાહનો કઈ રીતે સલામત રહી શકે?