જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના જામજોધપુર માં વધુ એક દુષ્કર્મનો બનાવ પોલીસ દફતરે પહોંચ્યો છે. એક દુકાનદારે ગ્રાહક તરીકે આવેલી સગીરા પર ત્રણ વખત બળાત્કાર ગુજારી ધાક ધમકીઓ આપી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે. બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સ્થાનિક પોલીસે તુરંત આરોપી દુકાનદારને પકડી પાડી અટકાયતમાં લઇ લીધો છે, અને કોવિડ સહિતનું મેડિકલ પરીક્ષણ હાથ ધર્યું છે.
ત્રણેક માસ પૂર્વે જામજોધપુરમાં સોળ વર્ષની એક સગીરા દિવસ દરમિયાન મયુર રાજેશભાઈ ડાભી નામના દુકાનદારને ત્યાં માલ સામાનની ખરીદી કરવા માટે ગઈ હતી. દરમિયાન દુકાનદારે સગીરા પર બળજબરી કરી દુકાનમાં જ દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કાર ગુજારી દુકાનદારે આ બનાવ અંગે કોઇને જાણ કરશે તો પતાવી દેવાની તેણીને ધમકી આપી હતી, જેથી ભોગ બનનાર સગીરા મૌન રહી હતી. ત્યાર પછી દુકાનદારે વધુ ધાક-ધમકી આપીને અલગ અલગ સમયે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટનાથી અને વારંવારના ત્રાસથી સગીરા ડઘાઈ ગઈ હતી, અને પોતાના ઘેર સુનમૂન બેઠી હતી.જે દરમિયાન આજે બપોરે તેણીની માતા એ પોતાની પુત્રીને ફોસલાવીને પૂછપરછ કરતા આખરે તેણીએ દુષ્કર્મની ઘટના અંગે કબૂલાત આપી હતી, અને સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. જામજોધપુર પોલીસે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપી દુકાનદાર મયુર રાજેશભાઈ ડાભી સામે દુષ્કર્મ અંગેની કલમ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે, અને તેની અટકાયત કરી લઈ કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જામજોધપુર પંથકમાં એક સપ્તાહમાં દુષ્કર્મની બીજી ઘટનાને લઇને ભારે ચકચાર જાગી છે.