જામનગર: દેશી દારૂનો ધંધાર્થી પોલીસને જોઈ ભાગ્યો, પોલીસે પીછો કર્યો, આરોપીનું સ્કૂટર સ્લીપ થયું, પછી…

0
1180

જામનગર શહેરમાં વધુ એક વખત પોલીસ અને આરોપી વચ્ચે પકડમ પકડીના દ્રશ્ય સામે આવ્યા છે. ખોડીયાર કોલોની વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા શખ્સનો પોલીસે પીછો કરતા વધુ એક વખત ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસથી બચવા માટે પૂરપાટ ઝડપે સ્કૂટર ચલાવતા સ્કૂટર સ્લીપ થઈ જતા આરોપી પોલીસના હાથે ચડી ગયો હતો. સ્કૂટરની ડેકીમાંથી 15 લીટર દેશી દારૂ મળી આવ્યો છે. આ દારૂ મહિલા પાસેથી ખરીદ્યો હોવાની આરોપીએ કબુલાત કરી હતી. પોલીસે દારૂ સપ્લાય કરનાર મહિલાને ફરાર જાહેર કરી તહોમતદારની ધરપકડ કરી હતી. દેશી દારૂના ધંધાર્થી અને પોલીસ વચ્ચે પકડમ-પકડીના દ્રશ્યો વચ્ચે લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા.

શહેરના સરૂ સેક્સન રોડ પર રામનગર વિસ્તારમાં રહેતો રવિ સુખાભાઈ દેગામા નામનો શખ્સ પોતાના સ્કૂટરમાં દેશી દારૂ સાથે પસાર થવાનો હોવાની સીટીસી ડિવિઝન પોલીસ દફતરના સ્ટાફને હકીકત મળી હતી. જેને લઈને અવધ હોન્ડાના શોરૂમ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં ક્રિસ્ટલ મોલ તરફથી અવધ હોન્ડાના શોરૂમ તરફ આવતા પીળા કલરના ટીશર્ટ અને કાળા કલરના ટ્રેક પેન્ટ પહેરેલા સફેદ કલરની એક્સેસ વાળા શખ્સને પોલીસે શંકાના આધારે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ આ શખ્સે પોતાની એક્સેસ પૂરપાટ ઝડપે હંકારીયુ હતું, પોલીસે પણ આ શખ્સનો પીછો કર્યો હતો. રવિ પોતાનો સ્કૂટર લઈ ભાગતા પોલીસે પીછો કર્યો હતો ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

જોકે આરોપી દૂર જાય તે પૂર્વે તેનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું અને પોતે બીજી વખત ભાગે તે પૂર્વે પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસે સ્કૂટરની ડેકીની તલાસી લેતા અંદરથી 15 લીટર દેશી દારૂ ભરેલ ત્રણ થેલીઓ મળી આવી હતી. પોલીસ અને રવિ વચ્ચેના પકડમ પકડીના દ્રશ્યોને લઈ લોકોના ટોળા એકત્ર થયા હતા અને જાણે ફિલ્મી દ્રશ્ય ભજવાયું હોય તેવો માહોલ સર્જાયો હતો. આ દારૂનો જથ્થો બાવરીવાસમાં રહેતી સંતોષબેન અમરભાઈ બાવરી પાસેથી લીધો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી દારૂ સપ્લાય કરનાર મહિલા અને ફરાર જાહેર કરી હતી.

NO COMMENTS