જામનગર : કોવિડ હોસ્પિટલની સામેની હોસ્ટેલમાં લાગી આગ અને દર્દીઓના જીવ તાળવે ચોંટ્યો, પછી થયું આવું…

0
672

જામનગર : જામનગર શહેરની જી.જી.હોસ્પિટલમાં ગત્ માસે લાગેલી આઇ.સી.સી.યુ. વિભાગની આગ હજુ તપાસમાં સળગી રહી છે ત્યાં જ આજે કોવિડ હોસ્પિટલની સામે આવેલ પીજી હોસ્ટેલના પ્રથમ માળના એક રૂમમાં આગ લાગતા વધુ એક વખત દોડધામ મચી જવા પામી હતી. આગની ગંભીરતાને ધ્યાને રાખે ફાયરની બે ગાડીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ મામુલી આગ હોવાના કારણે નાના સાધનો વડે જ આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.


સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી.હોસ્પિટલના આઇ.સી.સી.યુ. વિભાગમાં ગત્ મહિને લાગેલી ભિષણ આગ બાદ હોસ્પિટલ પરિસરમાં વધુ એક વખત આગનું છમકલું થતાં હોસ્પિટલ પ્રશાસન દોડતું થયું હતું. કોવિડ હોસ્પિટલ સામેના ઓલ્ડ પીજી હોસ્ટેલના રૂમ નં.28 માં ઇલેકટ્રીક સગડીમાં શોર્ટ શર્કિટ થતાં આગનું છમકલું થયું હતું. શોર્ટ શર્કિટના કારણે લાગેલી આગ રૂમના લાકડાના ટેબલને સ્પર્શી જતાં ધૂમાડાના ગોટેગોટા નિકળ્યાં હતાં. જો કે આ આગ વધુ વિસ્તરે તે પૂર્વે ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો બે ફાયર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચ્યો હતો અને ત્વરિત આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે આઇ.સી.સી.યુ. વિભાગની આગ લાગવા પાછળનું કારણ જૂનું લાકડાનું ફર્નિચર અને જૂનું ઇલેકટ્રીક વર્ક હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. અત્રેની હોસ્ટેલમાં પણ આ જ પરિસ્થિતિ હોવાનું સ્પષ્ટ થયું છે. ત્યારે વધુ એક મોટી આગ ગંભીરરૂપ ધારણ કરે તે પૂર્વે જ તંત્રએ જૂનું વાયરીંગ લાકડાનું ફર્નિચર હટાવી લેવું જોઇએ એવી પણ માંગણી ઉઠવા પામી છે.

NO COMMENTS