જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ને પૂછેલા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગતના જવાબમાં જિલ્લાની વિગતવાર સ્થિતિ મંત્રી દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2022માં 8840 અરજીઓ મળી હતી અને અરજીઓ પૈકી લાભાર્થી દીઠ રૂપિયા 1250 ની સહાય મંજૂર કરવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ વિધાનસભા સમક્ષ જણાવ્યું હતું.
જામનગર ઉતરના ધારાસભ્ય જાડેજાએ ગંગા સ્વરૂપમાં યોજના અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ મંત્રીને સવાલ કર્યો હતો કે છેલ્લા એક વર્ષમાં ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત જામનગર જિલ્લામાં તાલુકા વાર કેટલી અરજીઓ મળી છે ? આ અરજીઓ પૈકી કેટલી નામંજૂર થઈ છે અને મંજૂર અરજીઓ પેટે કેટલી સહાય મંજૂર કરવામાં આવી છે ? આ પ્રશ્નના જવાબમાં મહિલાને બાળ કલ્યાણ મંત્રીએ વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું કે, તારીખ 1 /1/ 2022 થી તારીખ 31/12 /2022 સુધીની સ્થિતિએ જામનગર શહેરમાં 4606, જામનગર ગ્રામ્યમાં 1,362, લાલપુર તાલુકામાં 682, ધ્રોલ તાલુકામાં 334, જામજોધપુર તાલુકામાંથી 493, કાલાવડ તાલુકામાંથી 472, જોડિયા તાલુકામાંથી 491 અરજીઓ મળી હતી.
જે પૈકી જામનગર શહેરમાંથી 14, જામનગર ગ્રામ્યમાંથી 35, લાલપુર તાલુકામાંથી 78, ધ્રોલ તાલુકામાંથી ચાર, જામજોધપુર તાલુકામાંથી 22, કાલાવડ તાલુકામાંથી 68 અને જોડિયા તાલુકામાંથી સાત અરજીઓ નામંજૂર થઈ હતી. જામનગર શહેર અને છ તાલુકા એમ 7 સેન્ટરો માંથી મળીને કુલ 8840 અરજીઓ મળી હતી. જે પૈકી 228 અરજીઓના મંજૂર થઈ છે. જ્યારે 8153 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજૂર થયેલ અરજીઓમાં લાભાર્થી દીઠ માસિક ₹1,250 ની સહાય મંજૂર કરવામાં આવી હોવાનું મંત્રીએ વિધાનસભા સમક્ષ જણાવ્યું હતું.
કેવી છે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના?
રાજ્ય સરકારની મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલા સશક્તિકરણની સાથે તેમના શિક્ષણ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આવી જ એક મહત્વની ‘ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના’ હેઠળ 18 વર્ષ કે તેથી વધુ ઉમરની વિધવા બહેનોના આર્થિક સ્વાવલંબનના હેતુથી માસિક રૂ.1250ની સહાય તેમના પોસ્ટ ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા અરજી સાથે વિધવાબહેનનો ફોટો, રેશનકાર્ડની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, પતિના મૃત્યુનો દાખલો, ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ, લાઈટ બિલ, જન્મ પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનો દાખલો અનિવાર્ય રહેશે.
આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં કુટુંબની આવકમર્યાદા રૂ.1,20,000 તથા શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક રૂ.1,50,000 ધરાવતા પરિવારની ગંગાસ્વરૂપ મહિલાઓને લાભ મળે છે. ફોર્મમાં જણાવેલા પુરાવા અને વિગત સાથેનું ફોર્મ ભરી તાલુકા
મામલતદારને રજૂ કરવાનું હોય છે. મામલતદાર દ્વારા ચકાસણી કરી સહાય મંજૂર કરવામાં આવે છે. તાલુકા મામલતદાર તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીની કચેરી દ્વારા ગંગાસ્વરૂપા બહેનો માટેની આ યોજનાનું અમલીકરણ થાય છે.