જામનગર નજીકના દરેક જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બ્રાસની જુદી જુદી ચાર પેઢીઓ સાથે વેપાર કરી રાજસ્થાની શખ્સે રૂપિયા સાત લાખ ઉપરાંતની રકમનું બુચ મારી દીધું હોવાની ફરિયાદ સામે આવી છે. પંચકોષી બી ડિવિઝન પોલીસે રાજસ્થાન જોધપુરના શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે, ફોન કરી, એડવાન્સમાં ચેક મોકલાવી, વિશ્વાસ સંપાદન કરી રાજસ્થાની શખ્સે શહેરના ચાર વેપારીઓ સાથે છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. ચાર પૈકી ફરિયાદી વેપારી પાસેથી ચાર લાખ અને અન્ય ત્રણ વેપારીઓ પાસેથી ત્રણ લાખનો મુદ્દામાલ ખરીદી પેમેન્ટ કરવામાં આનાકાની કરી પેમેન્ટ ચુકવ્યું ન હોવાની વિગતો સામે આવી છે. ઉપરાંત બે વેપારીઓએ રાજસ્થાની સખ્સ સામે ચેક રીટર્નની ફરિયાદ પણ દાખલ કરાવી છે.
‘હું ભરતકુમાર રાજસ્થાન જોધપુર થી વાત કરું છું. ક્રિષ્ના ટ્રેડર્સ જોધપુર નામની પેઢી ચલાવું છું અને માર્કેટમાંથી તમારા નંબર મળેલ છે, તમે બ્રાસના માલની લે-વેચ કરતા હોવાથી મારે બ્રાસના માલની રિક્વાયરમેન્ટ છે’ વર્ષ 2023 ના ફેબ્રુઆરી માસના ગાળા દરમિયાન જામનગરના મંગલદીપ સોસાયટીમાં રહેતા અને દરેડ જીઆઈડીસી વિસ્તારમાં બ્રાસપાર્ટના માલ સપ્લાયરની એમીનાન્સ હાર્ડવેર એન્ડ સેનેટરી હબ નામથી પેઢી ધરાવતા વિશાલભાઈ અશોકભાઈ સૂચકને ઉપરોક્ત વાતચીત કરતો ફોન આવ્યો હતો.
દરમિયાન વિશાલભાઈએ ફોન કરનાર શખ્સ પાસેથી પેઢીના જીએસટી નંબર માંગ્યા અને એડવાન્સમાં પેમેન્ટની વાત કરી, જેને લઇને રાજસ્થાની વેપારીએ જીએસટી નંબર, ₹1,32,000 ની રકમ સાથેનો એડવાન્સમાં પોતાની પેઢીનો સહી કરેલ ચેક મોકલાવેલ, ત્યારબાદ વિશાલભાઈ રાજસ્થાની વેપારીની જરૂરિયાત મુજબનો રૂપિયા 4, 51,215 ની કિંમતનો બ્રાસ પાર્ટનો તૈયાર માલ રાજસ્થાન રવાના કર્યો હતો. આ પ્રક્રિયા બાદ વેપારી વિશાલભાઈએ જે એડવાન્સમાં ચેક આપેલ હતો તે બેંકમાં નાખતા, બેલેન્સ ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો. ચેક બાઉન્જેસ થતા વિશાલભાઈએ રાજસ્થાની શખ્સને અનેક વખત ફોન કર્યા પરંતુ પૈસા ન ચૂકવ્યા તે ન જ ચૂકવાયા, દરમિયાન વિશાલભાઈએ માર્કેટમાં તપાસ કરતા દરેક જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જેન્તીભાઈ ભંડેરીના સાયોના એન્ટરપ્રાઇઝ તથા રમેશભાઈ મુન્દ્રાની ખુશ્બુ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ અને દિપેશભાઈ કંસારાની આરના મેટલ ઇન્ડસ્ટ્રીઝ માથી પણ આરોપીએ અગાઉ બ્રાસપાર્ટનો માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવ્યું હોવાની વિગતો જાણવા મળી હતી. પોતાની સાથે જે રીતના છેતરપિંડી થઈ તે જ રીતના આ ત્રણેય વેપારીઓ સાથે પણ રાજસ્થાની ઠગબાજે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.
જોકે આ ત્રણ પૈકીના બે વેપારીઓએ રાજસ્થાની સખ્સ સામે કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ પણ દાખલ કરાવી છે. આ ત્રણેય પેઢીઓ પાસેથી રાજસ્થાની ઠગબાજે વર્ષ 2023ની જાન્યુઆરી માસ દરમિયાન 2,58,780ની કિંમતનો બ્રાસ પાર્ટનો તૈયાર માલ ખરીદ્યો હોવાની વિગતો સામે આવી છે . રાજસ્થાની શખ્સે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પેઢી ધરાવતા ચાર વેપારીઓ સાથે ₹ 7,09,995 ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વિશાલભાઈ ડિવિઝનમાં દાખલ કરાવી છે.