જામનગર શહેર જીલ્લામાં પાંચ દિવસમાં પડેલા ૪૫ ઇંચથી વધુ વરસાદે વ્યાપક તારાજી વેરી છે. ખેતીવાડી અને ઉભા પાકને પણ કશ્તી પહોચી છે તો અનેક ઘરોમાં પાણી ઘુસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. પશુઓ અને માનવ મૃત્યુના કિસ્સા પણ સામે આવ્યા છે તો અનેક માર્ગો પણ ધોઈ નાખ્યા છે. સમગ્ર સ્થિતિ અંગે વહીવટી પ્રસાસન દ્વારા પ્રભારી મંત્રીની હાજરીમાં થયેલ મીટીંગમાં વિગતો જાહેર કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગેનો સર્વે કરવા માટે હાલ ૧૨૩ ટીમો કાર્યરત છે. જે પૈકી શહેરી વિસ્તારમાં ૩૯ટીમો દ્વારા અસરગ્રસ્ત વોર્ડમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી આવતીકાલ રવિવારે પણ ચાલુ રહેશે. જામજોધપુર અને લાલપુરમાં લોકોને ઘરવખરીની નુકશાનીના વળતર રૂપે કેશડોલ્સ ચૂકવી દેવામાં આવી છે. ધ્રોલ તાલુકામાં એક માનવ મૃત્યુના કિસ્સામાં તેના પરિજનોને રૂ.૪લાખની સહાયનો ચેક ચૂકવી દેવામાં આવ્યો છે. અન્ય મૃતકોના પરિવારજનોને સહાયની કામગીરી ચાલુ છે.
ભારે વરસાદની સાથે પવનના લીધે જિલ્લામાં ૧૭૨૯ જેટલા વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા હતા. પીજીવીસીએલની ૭૭ ટીમોની જહેમતથી અત્યારે તમામ ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. વાડી વિસ્તારમાં કામગીરી ચાલુ છે. તેમજ જે કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં પાણી ઘૂસી ગયા છે ત્યાં પાણી ઓસર્યા બાદ વીજ રિપેરિંગની કામગીરી ચાલુ કરવામાં આવશે. જામનગર જિલ્લામાં ૬ જગ્યાએ પાણીની પાઈપલાઈનમાં નુકશાની થઈ છે જે કામગીરી ચાલુ છે. અંદાજે બે દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે.
પંચાયત અને સિંચાઈ વિભાગ હસ્તકના ૨૬ ડેમો વધુમાં વધુ ૧૫ સેમી જેટલા ઓવરફ્લો છે. પાણીના પ્રવાહના પરિણામે ૯ ચેકડેમો અને તળાવોમાં નુકશાની થઈ છે. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના જે રસ્તાઓમાં નુકશાની થઈ છે ત્યાં પેચવર્કની કામગીરી કરી દેવામાં આવી છે. જ્યારે પંચાયત હસ્તકના ૪૧૬ રસ્તાઓ પૈકી ૪૮ રસ્તાઓ ઓવર ટોપિંગ અને સ્ટ્રક્ચર ડેમેજના લીધે બંધ હતા જેમાંથી ૩૩ રસ્તાઓ શરૂ થઈ ગયા છે.
જામનગર જિલ્લામાં ૮૪ પશુપાલકોના ૬૧૪ પશુઓનું મૃત્યુ થયુ છે જેમાં ૨૭૮ ઘેટા, ૩૨૦ બકરાં, ૯ ગાય સંવર્ગના અને ૭ ભેશોના મૃત્યુ નિપજ્યા છે. જેમાંથી ધ્રોલ તાલુકામાં જેમના પશુના મૃત્યુ નીપજ્યા છે તેઓને ૧,૯૬,૦૦૦ની સહાય ચૂકવી દેવામાં આવી છે. ભારે વરસાદના પરિણામે સૌથી વધુ નુકશાન કપાસના પાકમાં થયું છે. અને ૩૮૮ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના ખેતરોમાં નુકશાન થયું છે. જેની સર્વેની કામગીરી ચાલુ છે. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની તેમજ ૨૧૦ ટીમો દ્વારા હોમ ટુ હોમ કામગીરી કરવામાં આવી રહી છે. જીએસઆરટીસીના ૧૬ રૂટ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બંધ હોવાના લીધે બંધ છે.
આ તમામ ચર્ચાઓ અને વિગતો અંગે જામનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ મીટીંગમાં કરવામાં આવી હતી. મંત્રી અને પ્રભારી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ટીમ જામનગર દ્વારા કુદરતી આફત દરમિયાન પણ યુદ્ધના ધોરણે જે કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે જામનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોનું તાત્કાલિક સર્વે કરી સરકારના ધારાધોરણો મુજબ સહાય ચૂકવવામાં આવે જેથી કરીને કપરી પરિસ્થિતીમાં લોકોને આર્થિક ટેકો મળી રહે. કલેક્ટરશ્રી બી.કે. પંડ્યાએ મંત્રીને જણાવ્યું હતું કે હાલ જામનગરના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેમજ આરોગ્ય અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપીને જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે.