
જામનગર અપડેટ્સ: જામનગરમાં હરિયા કોલેજ પાછળ રહેતા અને છૂટક ડ્રાઈવિંગ કરતા એક યુવાનના બેંક એકાઉન્ટમાં છેલ્લા દોઢ વર્ષમાં ૩૭ કરોડના વ્યવહાર થયા છે. ધંધો શરુ કરવા માટે યુવાને આપેલ પોતાના ડોક્યુમેન્ટના સહારે ભાગીદાર બનવા માંગતા ભાવનગરી શખ્સે ૩૭ કરોડના વ્યવહારોને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના યુવાન સાથે કેવી રીતે મળ્યો જામનગરનો યુવાન ? કેવી રીતે ભાવનગરના સખ્સે જામનગરના યુવાનના બેંક અને જીએસટી એકાઉન્ટના સહારે આર્થિક વ્યવહારો કર્યા ? સમગ્ર હકીકત જાણીએ

જામનગરમાં હરીયા કોલેજ પાછળ ૩૦૩-દ્વારકેશ એપાર્ટ મેન્ટ,કૈલાશનગર,શેરી નબર-૦૬માં રહેતા મિત રશીકભાઇ ખીમજીભાઇ ગડારાએ ત્રણેક વર્ષ પૂર્વે પોતાના મામાના દીકરા ભવ્ય ભેન્સદાડીયા સાથે મળી દરેડ જીઆઈડીસીમાં એપેક્ષ ઇન્ડસ્ટ્રીઝ નામે બ્રાસનું કારખાનું શરુ કરી મોટો વ્યવસાય ઉભો કરવાનો પરાયા કર્યો હતો. આ પેઢી મિતના નામે રજીસ્ટર કરવામાં આવી હતી. બેંક અને જીએસટી નંબર સહીતમાં મિતનું નામ ચાલતું હતું જો કે થોડા જ સમય બાદ ધંધામાં બરકત નહી થતા અને મામા-ફુઈના બંને ભાઈઓ વચ્ચે મનદુઃખ થતા ધંધો બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ મિત છૂટક ડ્રાઈવીગ કરતો હતો. દરમિયાન દોઢ વર્ષ પૂર્વે મિતને ભાવનગરના નુરી ચોકડી પાસે રહેતા હનીફ શેખ સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે ભાગીદારીમાં બ્રાસનો ધંધો શરુ કરવાની વાતચીત થઇ હતી.

ત્યારબાદ મિતએ પોતાના બેંક અને જીએસટી સબંધિત તમામ ડોક્યુમેન્ટ હનીફ શેખને આપ્યા હતા. જો કે ત્રણેક મહિના થવા છતાં પણ હનીફ તરફથી કોઈ જવાબ નહિ આવતા મીતે ફોન કરી ધંધા અંગે વાત કરી હતી. અત્યારે મંદી ચાલે છે સમય આવ્યે ધંધો શરુ કરી દેશું એવો જવાબ હનીફે આપ્યા બાદ છ માસ પછી મીતે ફરી ફોન કરી જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હનીફે ફોન પર કઈ જવાબ નહિ આપી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.હવે મિતને શંકા જતા તેમણે પોતાના બેંક એકાઉન્ટ અંગે બેંકમાં જઈ તપાસ કરાવી હતી. જેમાં પોતાની જાણ બહાર જ બેંકના ખાતામાં ૩૭ કરોડના આર્થિક વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હતું. મિતના જીએસટી નંબરનો ખોટો ઉપયોગ કરીને હનીફે ૩૭ કરોડના બીલ બનાવી નાખ્યા હોવાની હકીકત સામે આવતા છૂટક ડ્રાઈવિંગ કરતા યુવાનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ મીતે પંચકોશી બી ડીવીજન પોલીસનો સંપર્ક કરી અરજી આપ્યા બાદ ભાવનગરના સખ્સ સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં રહેતા મિતના પિતા બ્રાસપાર્ટના કારખાનામાં મજુરી કામે જાય છે જયારે તેનો એક ભાઈ ઓટો મોબાઈલ પેઢીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.