જામનગર: દ્વારકા જતા રાજકોટના ત્રણ પદયાત્રીને ટ્રકે પાછળથી ફંગોળ્યા

0
900

જામનગરની ભાગોળે આવેલ ઠેબા ચોકડી પાસે એક ટ્રકે પાછળથી જોરદાર ઠોકર મારતા દ્વારકા પદયાત્રાએ જતા ચાર પૈકીના દંપતી સહીત ત્રણ ભાવિકોને ઈજા પહોચી છે. જેમાં એક વ્યક્તિની હાલત ગમ્ભીર છે. અકસ્માત નીપજાવી ટ્રક ચાલક નાશી ગયો છે.

રાજકોટમાં ૮૦ ફૂટ રોડ પર સોમનાથ સોસાયટીમા રહેતા મિરાજ રજનીભાઈ ખુંટ અને તેમના સબંધી ભરતભાઈ ગિરધર ભાઈ ખુંટ,તેમના પત્ની શેજ્લબેન અને કિશન કાકડિયા નામના ચાર વ્યક્તિઓ ગત તા. ૩થી રાજકોટ ખાતેથી પગ પાળા યાત્રાએ નીકળ્યા હતા. આ સંઘ ગઈ કાલે જામનગર આવી પહોચ્યો હતો. સવારે પાંચેક વાગ્યે શહેરની ભાગોળે આવેલ ઠેબા ચોકડી નજીક શ્રીજી પાર્કની સામેથી આ ચારેય ભાવિકો પસાર થતા હતા ત્યારે પાછળથી પુર ઝડપે ઘસી આવેલ આરજે ૧૯ જીઈ ૪૮૫૧ નંબરના ટ્રકે મિરાજ સિવાયના ત્રણેય ભાવિકોને જોરદાર ઠોકર મારી ફંગોળી દીધા હતા.

અકસ્માતને પગલે જોરદાર અવાજ આવતા આ ત્રણેય ભાવિકોથી આગળ જતા મિરાજભાઈ તુરંત સ્થળ પર આવી ગયા હતા અને તેઓએ તેમની સાથે રહેલ અન્ય વાહનને જાણ કરી બોલાવી લીધા હતા. ત્યારબાદ ત્રણેય ભાવિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જીજી હોસ્પિટલ ખસેડાયેલ ત્રણેય પૈકી ભરતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હોવાથી ખાનગી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે નાશી ગયો છે. પોલીસે વાહન ચાલક સામે ફરિયાદ નોંધી છે.

NO COMMENTS