જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને ખસીકરણ ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કૃષિમંત્રીના હસ્તે ગીર ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રીએ ખસીકરણ સહ મેજર કેમ્પની મુલાકાત લીધી હતી, તેમજ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માહિતી- માર્ગદર્શન આપ્યું હતું. શ્રી જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે પશુઓને પીવાના પાણીનો હવાડો અને નવનિર્મિત આંતરિક રસ્તાના કાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
પશુ ચિકિત્સામાં જામનગર જિલ્લો
જામનગર જિલ્લામાં અત્યારે કુલ ૩૩ પશુ દવાખાના અને ૧૭ પશુ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉપલબ્ધ છે. જામનગર જિલ્લામાં ૧૦ ગામ દીઠ ૧ મોબાઈલ પશુ દવાખાનાની સેવા ઉપલબ્ધ છે. અત્યારે ૧૮ જેટલા મોબાઈલ પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ મુજબ જિલ્લામાં નવા ૧૩ પશુ દવાખાના બનાવવામાં સરકારે વાયદો કર્યો છે.
કાર્યક્રમમાં કઈ યોજના હેઠળ, કોને કેટલી સહાય અપાઈ ?
@મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ લતીપુર ગૌસેવા ટ્રસ્ટને રૂ.૧૪.૭૮ લાખની સહાયનો ચેક અર્પણ
@બકરા એકમ સહાય હેઠળ લાભાર્થી હેમંતભાઈ બાંભવાને રૂ.૪૫ હજારની સહાય
@પાવર ડ્રિવન ચાફકટર સહાય યોજનાના લાભાર્થી વાલીબેન ભીમાણીને રૂ.૧૮ હજારની સહાય અર્પણ
@પશુ સારવાર કેમ્પમાં ૯૫૦ જેટલા બીમાર પશુઓની સારવાર કરવામાં આવી
કેવી કેવી યોજનાઓ છે રાજ્ય સરકારની ?
રાજ્ય પશુપાલન ખાતા દ્વારા મરઘાં વિકાસ યોજના, ઘાસચારા વિકાસ યોજના, પશુ વેચાણ વ્યવસ્થા, ઘેટાં વિકાસ યોજના, બકરાં વિકાસ યોજના, પશુ પક્ષી પ્રદર્શન શો, ચેપી રોગ નિયંત્રણ યોજના, વિમા સહાય યોજના વગેરે જેવી યોજનાઓ હાલ કાર્યરત છે. ઉપરાંત વર્ષ ૨૦૧૭થી દર વર્ષે ૧ જાન્યુઆરી-૨૦ જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વ નિમિતે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. તેમજ મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના કાર્યરત છે. કરુણા સહાય અભિયાન ‘૧૯૬૨’ હેલ્પલાઇન હેઠળ અનેક અબોલ પશુઓની સારવાર અપાઈ રહી છે.
કોણ કોણ ઉપસ્થિત રહ્યું?
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા જાડેજા, લતીપુર ગ્રામ સરપંચ હસમુખભાઈ સરવૈયા, સંયુક્ત પશુપાલન નિયામક- રાજકોટ વિભાગ ડો. બી. એલ. ગોહિલ, અધિક પશુપાલન નિયામક ડો. કિરણ વસાવા, જિલ્લા નાયબ પશુપાલન અધિકારી ડો. તેજસ શુકલ, પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, આગેવાનો રસિકભાઈ ભંડેરી, દેવકરણભાઈ, ગણેશભાઈ મૂંગરા, જે. ડી. પટેલ, લાભાર્થીઓ, ૬૩૨ જેટલા પશુપાલકો, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.