જામજોધપુર તાલુકા મથકે રહેતા મહિલા સાથે નિવૃત્ત તલાટીએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ લગાવાયો છે. ખેતીની જમીન અને ડેરી ખરીદી, આ બંને મિલકત પોતાના પુત્ર અને જમાઈના નામે કરી નિવૃત તલાટીએ મહિલાને ખોટા સોનાના દાગીના પકડાવી ૧૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની જામજોધપુર પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે નિવૃત્ત તલાટી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જામજોધપુર પોલીસ દફતરમાં નોંધાયેલ ફરિયાદની વિગત મુજબ, શહેરના સગાર પા ચકલા ચોક પાસે રહેતા અને ઘરકામ તથા ખેતી કામ કરતા અંજનાબેન નટુભાઈ ખાંડ એ વર્ષ 2018માં હાલ નિવૃત્ત તલાટી ચીમનભાઈ ખાંડએ ભાગીદારીમાં ખેતીની જમીન ખરીદવા માટે લાલચ આપી હતી. ત્યારબાદ નિવૃત્ત તલાટીએ તેણી પાસેથી જમીનના સોદાખત અને વેચાણ પેટે રૂપિયા 11 લાખની રકમ જુદા જુદા સમયે મેળવી લઈ આ ખેતીની જમીન પોતાના પુત્ર આશિષ ખાંટના નામે કરી અને ડેરીની જમીનના દસ્તાવેજ તેના જમાઈના નામે કરી લીધા હતા.
ત્યારબાદ મહિલાને જાણ થતા તેણીએ પોતાની રકમ પરત માંગી હતી, જોકે આ રકમ પોતે આપી શકે તેમ ન હોય પરંતુ રૂપિયાના બદલામાં દાગીના આપવાની વાત કરેલ અને પોતાના સોનાના દાગીના તેઓએ મહિલાને આપ્યા હતા. પરંતુ આ દાગીનાની ચકાસણી કરાવતા દાગીના ખોટા હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને મહિલાએ ચીમનભાઈને વાત કરતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે મહિલાએ નિવૃત્ત તલાટી સામે જામજોધપુરમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ વાય જે વાઘેલા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.