જામનગર : જામજોધપુર તાલુકાના ગઢકડા ગામે ગઈ રાત્રે સરપંચ પર ફાયરીંગ થયું હોવાની ઘટના જાણવા મળી છે જો કે આ મામલે સતાવાર કઈ જાહેર થયું નથી. બીજી તરફ બંદુકમાંથી છુટેલ ગોળી મિસ ફાયર થઇ જતા સરપંચને ઈજા નહી પહોચી હોવાનું પણ જાણવા મળ્યું છે. સરપંચની ચુંટણી વખતે થયેલ મનદુઃખને લઈને ફાયરીંગ થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
જામજોધપુર તાલુકા મથકથી ૨૫ કિમી દુર આવેલ ગઢકડા ગામે ગત મોડી રાત્રે ફાયરીંગ થયાનો બનાવ સામે આવ્યો છે. લોકડાઉન વખતે સરપંચના ભાઈની હત્યા નીપજાવવામાં આવી હતી. સરપંચની ચુંટણી વખતે થયેલ મનદુઃખને લઈને હજુ સુધી વિખવાદ ચાલી રહ્યો છે. આવા સમયે ગત મોડી રાત્રે સરપંચ પર ફાયરીંગ કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. જો કે ફાયર થયેલ ગોળી નિશાન ચુકી જતા સરપંચનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે શેઠ વડાળા પોલીસ ઘટના સ્થળે પહોચી છે અને તપાસ શરુ કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હજુ સુધી આ બનાવ અંગે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી પરંતુ શેઠ વડાળા પોલીસ હાલ સ્થળ પર પહોચી હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સંધી પરિવારો વચ્ચે ચાલતો ચુંટણીના મનદુઃખનો મુદ્દો વધુ ધારદાર બન્યો છે. આ બનાવ અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે.