જામનગર : સોશ્યલ મીડિયા આશીર્વાદ કે અભિશાપ ? આ બાબતે જુદા જુદા મતાંતરો પ્રવર્તી રહ્યા છે. સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો આ પ્લેટફોર્મ કેરિયર પણ બનાવી આપે છે અને ગેર ઉપયોગ કરવામાં આવે તો જીંદગી ગુમાવવાનો વારો આવે છે. આવો જ અભીશાપરૂપી કિસ્સો જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકેથી સામે આવ્યો છે.
જામજોધપુર તાલુકાના મથકે માકડીયા શેરીમાં રહેતા જયકુમાર ભરતભાઈ સંતોકીની પત્ની પ્રિયંકા ઉવ ૧૮ વર્ષ વાળીનો મૃતદેહ ગઈ કાલે સવારે તાલુકા મથક નજીકના વિસ્તારમાંથી મળી આવ્યો હતો. જેની જાણ થતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેણીના પરિવારજનોના નિવેદનો નોંધયા હતા. જેમાં તા. ૧૩મીના રોજ રાત્રીના અગ્યારેક વાગ્યે તેણીને તેના પતિએ કોઈ છોકરા સાથે ફેસબુકમાં ચેટીંગ કરતા જોઈ લીધી હતી. જેને લઈને તેણીની પાસેથી મોબાઈલ લઇ લેવામાં આવ્યો હતો. આ બાબતથી લાગી આવતા તેણી પોતાનું ઘર છોડી ક્યાંક ચાલી ગઈ હતી. દરમિયાન ગઈ કાલે સવારે તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના જણાવ્યું અનુસાર, તાલુકા મથક નજીકથી મળી આવેલ તેના મૃતદેહ પાસેથી કોઈ સંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેણીએ ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો હોય તેમ પ્રાથમિક કારણ સામે આવ્યું છે. તેણીના દેહનું પીએમ કરી વિશેરા લઇ એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા હોવાનું ઉમેર્યું હતું. મૃતકના બે માસ પૂર્વે જ લગ્ન થયા હતા. તેણીનો પતિ જયકુમાર સંતોકી રાજકોટ જીઆઈડીસીમાં નોકરી કરતો હોવાનું અને વિકએન્ડમાં જામજોધપુર આવતા હોવાનું ડીવાયએસપીએ જણાવી ઉમેર્યું હતું. તેણીને તેના પતિએ બે દિવસ પૂર્વે કોઈ છોકરા જોડે વાત કરતા જોઈ ગયા હતા. ત્યારબાદ જે સબંધીઓએ સગપણ કરાવ્યું હતું તેઓને પરિવારે જાણ કરી હતી.
તેણીને તાલુકાના સીદસર ગામના કોઈ છોકરા જોડે ફેસબુકમાં દોસ્તી થઇ હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઇ હતી અને બંને સમયાન્તરે વાતચીત કરી સબંધ આગળ ધપાવ્યો હતો. પરંતુ પતિને ખબર પડી જતા તેણીએ ઘર છોડ્યું હતું. જો કે તેણીએ ઘર છોડતા પૂર્વે પોતાનું ફેસબુક આઈડી અને જે તે છોકરાના નંબર પણ ડીલીટ કરી નાખ્યા છે.
આ તમામ ઘટમાળમાં સોશ્યલ મીડિયાનું પ્લેટફોર્મ પરિણીતાના જીવતરને ધૂળ ધાણી કરનાર બની રહ્યું છે. વાલીઓએ પોતાના અપરિપક્વ સંતાનોને સોશ્યલ મીડિયાના વળગાળથી છુટકારો અપાવવો જોઈએ, અને સામાજિક પરિપક્વતા ધરવતા સંતાનોએ પણ પોતાની જવાબદારી નિભાવી સંતુલિત સમાજ જીવનની ધુરા વહન કરવું જોઈએ એમ આ સમગ્ર ઘટનાં શીખ આપે છે.