જામનગર : યુપીના અપહરણકારને પકડી ત્રણેય યુવાનોને મુક્ત કરાવતી પોલીસ

0
2105

જામનગરના ત્રણ યુવાનોના કાનપુરમાં અપહરણ અને વીસ લાખની ખંડણી પ્રકરણને પગલે જામનગર પોલીસે કાનપુર પહોચી ગુપ્ત ઓપરેશન પાર પાડી, ત્રણેય અપહૃત યુવાનોને છોડાવી આરોપીને દબોચી પરત આવી છે. ત્રણ પૈકીના એક આરોપી સાથે શેર બજારના ટ્રેડીંગ વખતે થયેલ ધંધાકીય સબંધને લઈને બંનેએ વ્યવહારો કર્યા હતા. જેમાં ત્રણ પૈકીના એક આરોપી પાસેથી આરોપીને ૧૮ લાખ રૂપિયા લેવાના હોવાનું સામે આવ્યું છે આ રૂપિયા કઢાવવા અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે. કાનપુર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં જામનગર પોલીસે સ્થાનિક પોલીસની મદદથી ઓપરેશન પાર પાડ્યું હતું.

જામનગરમાં ચકચારી બનેલ બનાવની વિગત મુજબ, શહેરના કેયુર ઉર્ફે કિશન હરીશભાઇ હાડા રહે , પટેલ કોલોની શેરી નં -૫ રોડ નં -૪ તથા વિરલ ઉર્ફે ભોપલો નરેશભાઇ હાડા રહે , રાજપાર્ક શેરી નં -૩ કલ્યાણ રેસીડન્સી બ્લોક ૫૦૧ જામનગર અને જતીન રમેશભાઇ પઢીયાર રહે , સ્વામી નારાયણ નગર ગરબી ચોક શેરી નં -૪ જામનગરવાળા ત્રણ યુવાનોને ઉતરપ્રદેશના ભગવાનસિંગ ઉર્ફે ચાચા અર્જુનસિંગ ચોહાણ નામના સખ્સે બોલાવ્યા હતા.

ઓછા મૂડી રોકાણમાં વધુ નફો થાય તેવો ધંધો કરવાની લાલચ આપી આરોપી ચાચાએ ત્રણેયને યુ.પી.ના લખનઉ મુકામે બોલાવ્યા હતા. વિશ્વાસમાં આવી ગયેલ ત્રણેય યુવાનો લાલચે યુપી ગયા હતા. જ્યાં આરોપી ચાચાએ ગેરકાયદેસર રીતે ગોંધી રાખી, કિશનના મોબાઈલમાંથી તેના પરિવારને અપહરણની જાણ કરી છોડવા માટે રૂપિયા વીસ લાખની માંગણી કરી હતી. આ બનાવના પગલે કિશનનો પરિવાર ગભરાઈ ગયો હતો અને તુરંત સીટી બી ડીવીજન પોલીસનો સંપર્ક કર્યો હતો. આરોપી ચાચા દ્વારા યુવાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી પરિવારને ફોન કરી વારંવાર તેઓની પાસે વીસ લાખની માંગણી કરી હતી. આ બનાવને લઈને એસપી અને એસએસપીએ અપહૃત યુવાનોને છોડાવવા માટે એક ટીમ રવાના કરવાનો પ્લાન કર્યો હતો. જેને લઈને સીટી બી ડીવીજન પોલીસની ટીમ જે તે મોબાઈલના લોકેશનના આધારે કાનપુર પહોચી હતી અને ત્યાં સ્થાનિક પોલીસને સમગ્ર વિગતો જણાવી ગુપ્ત ઓપરેશન માટે મદદ માંગી હતી.

દરમિયાન પોલીસે કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી ઓપરેશન પાર પાડી ત્રણેય યુવાનોને છોડાવી લીધા હતા અને એક મુખ્ય આરોપી એવા ભગવાનસિંહની ધરપકડ કરી હતી. આજે ત્રણેય યુવાનો સાથે કાનપુરથી પરત આવી એએસપીએ સમગ્ર વિગતો જણાવી હતી.  કિશન અને આરોપી ભગવાનસિંગ વચ્ચે ત્રણેક વર્ષ પૂર્વે પરિચય થયો હતો. શેર બજારના ટ્રેડીંગ થકી બંને નજીક આવ્યા હતા અને શેર બજારમાં ટ્રેડીંગ શરુ કર્યું હતું. સમય જતા કિશનને રૂપિયા ૧૮ લાખ જેટલી મોટી રકમ ભગવાનસિંગને આપવાની હતી. જેની ઉઘરાણી નીકળી જાય એ માટે પૂર્વયોજિત કાવતરું રચી ભાગવાનસિંગે કિશનને ધંધાની લાલચ આપી કાનપુર બોલાવ્યો હતો. જ્યાં તેમનું અપહરણ કરી પરિવાર પાસે રૂપિયા વીસ લાખની માંગણી કરી હતી. જેની સામે પોલીસે એક ડગલું આગળ રહી ઓપરેશન પાર પાડી મુખ્ય આરોપીને દબોચી લીધો હતો. આવતી કાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here