એક પટાવાળાએ બીજા પટાવાળાને 12 હજાર રૂપિયા આપી દેવા કહ્યુંને બંને લાંચના છટકામાં સપડાયા

0
1823

જામનગર અપડેટ્સ : સુરત ખાતે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી (ધીરધારની કચેરી), જિલ્લા સેવા સદન- ૨માં ફરજ બજાવતા બે પટાવાળા રૂપિયા 12 હજારની લાંચ લેતા પકડી પાડ્યા છે. આ બંને બાબુઓએ જાગૃત નાગરિકના પિતાના શાહુકારોના રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર રીન્યુ કરાવવા માટેનું પ્રમાણપત્ર મેળવવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. જો કે આ પ્રકરણમાં પટાવાળાની સાથે અધિકારીઓ સંડોવાયા છે કે કેમ ? તે પૂછપરછ દરમિયાન સામે આવશે.

સુરત જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી (ધીરધારની કચેરી), જિલ્લા સેવા સદન- ૨, એ બ્લોક, પ્રથમ માળ, અઠવાલાઇન્સ, સુરત ખાતે આવેલ કચેરીમાં પ્રમાણપત્ર કઢાવવા તેમજ રીન્યુ કરાવવાના અવેજ પેટે આ કચેરીના કર્મચારીઓ રૂ.૧૦,૦૦૦ થી રૂ.૧૨,૦૦૦ સુધીના ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરતા હોવાની એસીને આધારભુત માહિતી મળી હતી. જે આધારે પીઆઇ આર.કે.સોલંકી સહિતના સ્ટાફે આ કચેરીમાં કામકાજ અર્થે આવતા વ્યક્તિઓનો સંપર્ક કરી, સહકાર આપવા અપીલ કરી હતી. દરમિયાન એક જાગૃત નાગરિકે વિગતો આપી હતી. જેમાં તેઓના પિતાનું શાહુકારોના રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર રીન્યુ કરાવવા માટે અરજી કરેલ હોય અને તે અંગેનું પ્રમાણપત્ર આજરોજ લેવા જવાનું હોય અને આ કચેરીના કર્મચારી રૂ.૧૨,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.જેને લઈને પીઆઈ સોલંકીએ તા.૧૯/૦૫/૨૦૨૧ના રોજ એસીબીએ જિલ્લા સેવા સદન- ૨, એ બ્લોકના પ્રથમ માળની સીડી ઉપર જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી (ધીરધાર) ની કચેરી ખાતે ટ્રેપ ગોઠવી હતી. જેમાં જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી (ધીરધારની કચેરી), જિલ્લા સેવા સદન- ૨માં નોકરી કરતા વર્ગ ચાર (પટ્ટાવાળા) બાબુભાઇ કનુભાઇ ચૌહાણને મળતા તેઓએ પ્રમાણપત્ર આપી અને હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં આરોપી સુરત જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી (ધીરધારની કચેરી), જિલ્લા સેવા સદન- ૨, એ બ્લોક, પ્રથમ માળ, અઠવાલાઇન્સમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા નિકુંજ ચંદુભાઇ ચૌધરી ને આપવા જણાવ્યુ હતું. જે આ આરોપીએ સ્વીકારી લીધી હતી.

આ બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતની સૂચના મુજબ આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here