આ મારી ગુજરાતની પહેલી મુલાકાત છે. આ મુલાકાત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નામે છે. ગુજરાત રાજ્યમાં આવીને મને ઘણો આનંદ થયો છે તેમ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથે તેમના સંબોધનના પ્રારંભે ગુજરાતી ભાષામાં જણાવ્યું હતું.
જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત મોરેશિયસના વડાપ્રધાનશ્રીના ગુજરાતી ભાષાના સંબોધનને ઉપસ્થિત જનમેદનીએ ઉમળકાભેર તાળીઓના ગળગળાટથી વધાવ્યુ હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દુનિયામાં હેલ્થ અને વેલનેશના સૌથી મોટા આયોજનમાં ભારતને સામેલ કરવા બદલ તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બોલીને સૌનું દિલ જીતી લેનાર WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે જ નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ત્રણ દાયકા જૂના સંબંધને યાદ કરીને ભારતના નિમંત્રણને માન આપીને પધારેલ અને ગુજરાતી બોલીને સૌનું દિલ જીતી લેનાર મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિન્દ જુગનાથનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનના વડાપ્રધાને વીડિયોના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી તે અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
ગ્લોબલ સેન્ટર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાંચ લક્ષ્ય આપ્યા
– ટેક્નોલોજીના ઉપયોગ થકી પરંપરાગત વિદ્યાનો ડેટા બેઝ તૈયાર કરવો
– ટેસ્ટીંગ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવું
– અનુભવોની આપ-લે કરવા માટે વાર્ષિક ફેસ્ટીવલનું આયોજન
– રિસર્ચ કાર્યમાં ઇન્વેસ્ટમેન્ટ
– વૈશ્વિક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તૈયાર કરવા