વાવાઝોડુ : સૌરાષ્ટ્રના આ જીલ્લાઓમાં તબાહીનો મંજર, પિતા-પુત્રીના મોત, ભારે વરસાદ, શું છે વર્તમાન સ્થિતિ ?

0
2167

જામનગર અપડેટ્સ : આખરે જે કપરા દસ્તકની વાટ જોવાઈ રહી હતી તે તૌકતે વાવાઝોડાએ રાત્રે સૌરાષ્ટ્રના દીવ-ઉના વચ્ચેથી લેન્ડફોલ થયું. લગભગ ૧૫૦ કિમીની ગતિએ પ્રવેશ કરી વાવાઝોડાએ સૌ પ્રથમ વિનાશ વેર્યો વૃક્ષો પર, જેમાં ગીર સોમનાથના કેરીના બગીચાઓનો સોથ વળી ગયો  છે. ભારે વરસાદે પણ મુશ્કેલી ઉભી કરતા અનેક સ્થળોએ પાણી ભરાયા હતા તો અનેક મકાનો અને માછીમારી બોટોને નુકશાની પહોચી છે. બીજી તરફ તાર સાથેના વીજ પોલ અને મોબાઈલ ટાવર્સ પણ ધરાસાઈ થઇ  જતા ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જીલ્લામાં સંદેશા વ્યવાહર પર અસર પડી છે.

તૌક્તે વાવાઝોડાએ રાત્રે સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી લેન્ડ ફોલ કરી વિનાસ વેર્યો છે. ખાનગી જાહેર સંશાધનોને ભારે નુકસાન પહોચ્યું છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જીલ્લામાં ૧૫૦ કિમીની  ઝડપે વાવાઝોડું ફૂંકાતા વૃક્ષોનો સોથ વળી ગયો છે. આંબાના બગીચાઓમાંથી કેરીઓ ખરી પડી છે. વીજ પોલ અને મોબાઈલ ટાવર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનોને અસર થવા પામી હતી. તો ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઇ ગયા હતા અને અનેક જગ્યાએ પાણી ભરાયાના પણ સમાચાર છે. અનેક જગ્યાઓ ધરાસાઈ થયેલ વૃક્ષોના કારણે માર્ગ પણ બંધ થયા હતા. અનેક પાકા મકાનોના બારી દરવાજા અને કાચ તૂટયા છે. તેમજ પોરબંદરથી છેક વલસાડ સુધીના દરિયા કિનારે લાંગરેલી બોટોને પણ નુકશાની પહોચી હતી. જુનાગઢ જીલ્લામાં ૮૨ વીજ પોલ, ૮૧ ઝાડ, અને ઝાડ પડતા ચાર રસ્તાઓ બંધ થયા હતા.જયારે ૧૫૨ ગામમાં વીજળી ગુલ થઇ હતી. સમગ્ર જીલ્લામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

બીજી તરફ પ્રભાવિત જીલ્લાઓમાં અડધાથી માંડી આઠ ઇંચ વરસાદ પડી ગયો હોવાના સતાવાર સમાચાર છે. રાત્રીના બાર વાગ્યા સુધીમાં સતાવાર વાત કરીએ તો સૌથી વધુ વલસાડના ઉમરગામમાં આઠ ઇંચ, વલસાડમાં બે અને પારડીમાં દોઢ, પારડીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે ભાવનગર જીલ્લામાં પાલીતાણામાં છ ઇંચ, મહુવામાં પાંચ ઇંચ, ભાવનગરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જયારે ભરૂચ ઈજીલ્લાના દરિયાઈ પટ્ટીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો તો દહેજમાં અનેક જગ્યાએ સંસ્થાનો પરથી પતરાઓ ઉડી ગયા હતા. આ ઉપરાંત પોરબંદર, જુનાગઢમાં સામાન્ય વરસાદ જયારે ખંભાતના અખાતની બંને તરફની પટ્ટીમાં પણ ભારે વરસાદ પડ્યો છે.

મકાનનું છાપરું પડતા પિતા-પુત્રીના મોત

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નવાગામમાં વાવાઝોડાની ઝપટે ચડી જતા મકાનનું છાપરું ધરાસાઈ થયું હતું. આ છાપરા નીચે આશ્રય પામેલ પિતા-પુત્રીના દબાઈ જતા મૃત્યુ નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય હજુ સુધી અન્ય કોઈ જગ્યાએ માનવ હતાહ્ત થયા સમાચાર સાંપડ્યા નથી.

સવારે સાડા આઠ વાગ્યાની સ્થિતિ

હાલ વાવાઝોડું અમરેલી, ભાવનગર અને બોટાદ જીલ્લા વચ્ચે કહેર વર્તાવી રહ્યું છે. આ લખાય છે ત્યારે સવારે સાડા આઠ કલાકે વાવાજોડાની ગતિ ૯૦ થી ૧૩૦ પ્રતિ કલાક કિમી છે. હાલ વાવાઝોડુ બોટાદ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ બોટાદ, રાજકોટ જીલ્લાનો પશ્ચિમ ભાગ, સુરેન્દ્રનગર અને અમદાવાદ તેમજ પાટણ અને બનાસકાઠા-સાબરકાઠા વચ્ચેથી રાજસ્થાન તરફ પસાર થશે. ઉતર અને ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહેલ વાવાઝોડાને લઈને હવે પછીના ત્રણ કલાક મહત્વના માનવામાં આવે છે. ત્યારબાદ વાવાઝોડાની ગતિમાં ઘટાડો થતો જશે એમ હવામાન વિભાગે આગાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here