જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લામાં આજે ચાર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સાથે સાથે જામનગર શહેરમાં ફૂકાયેલ મીની વાવાજોડાએ અનેક વૃક્ષોનો સોથ બોલાવી દીધો છે. શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો અનેક વાહનોને પણ નુકસાની પહોચી હતી.
જામનગર જીલ્લામાં આજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જામનગર શહેરમાં મીની વાવાજોડું ફૂકાતા તબાહીના દ્રશ્ય સામે આવ્યા છે. શહેરની ભાગોળે આવેલ વિસ્તારોના કાચા મકાનોના નળિયા ઉડ્યા હતા. કાંઠાળ વિસ્તારોમાં અનેક વૃક્ષોનો સોથ બોલી ગયો છે.
શહેરમાં આવેલ મોટા મોટા હોર્ડિંગસ અને હોટેલ તથા દુકાનોના સાઈન બોર્ડ અને પતરાઓને પવન તાણી ગયો હતો. બીજી તરફ ભારે પવનના કારણે શહેરના ૫૦૦થી વધુ વૃક્ષોને નુકસાની પહોચી હતી અનેક જગ્યાએ મૂળ સાથે તો અનેક જગ્યાએ વૃક્ષોની ડાળીઓ તૂટી રસ્તાઓ પર પથરાઈ ગઈ હતી. જેમાં ૩૦૦ જેટલા વૃક્ષો તો મૂળથી ધરાસાઈ થઇ ગયા હતા.
જયારે ભારે વરસાદના કારણે જયશ્રી ટોકીઝ વાળો રસ્તો. બેડી ગેઇટ, જીલ્લા પંચાયત પરિસર અને પત્રકાર કોલોની, ભીમવાસનો ઢાળોઓ અને મોહનનગર તેમજ ગુલાબનગરના છેવાડાની સોસાયટીઓમાં પાણી પાણી થઇ ગયું હતું. તળાવની પાળના અનેક વૃક્ષો સપાટ થઇ ગયા તો અનેક પક્ષીઓના પણ મોત થયા છે.
ભારે વરસાદ અને મીની વાવાજોડાએ સૌથી વધુ વીજ કંપનીને નુકસાની પહોચાડી છે. શહેરના ચારેય જોનમાં અનેક સ્થળોએ વીજ પોલ તો અનેક સ્થળોએ વીજ તાર તૂટી ગયા છે. જેને કારણે સમગ્ર શહેરમાં વીજળી ગુલ થઇ ગઈ છે. જે મોડી રાત સુધી પણ સમારકામ થાય તો પણ પૂર્વવત થવાના આસાર ઓછા છે.
જામનગર જીલ્લામાં પાંચ તાલુકામાં દોઢ થી ત્રણ ઇંચ વરસાદ વરસાદ પડ્યો હતો. જામજોધપુરમાં ત્રણ, જામનગરમાં પોણા ત્રણ, ધ્રોલમાં બે અને લાલપુરમાં દોઢ ઇંચ વરસાદ, જોડીયામાં ઝાપટા પડ્યા હતા.