જામનગર : જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી એક બાયોલોજીકલ શબ્દ પ્રચલિત થયો છે. એ છે ઈમ્યુનિટી, ઈમ્યુનિટી એટલે સામાન્ય ભાષામાં રોગ પ્રતિકારક શક્તિ, આપણા શરીરમાં લાભદાયક કે નુકશાન કર્તા જુદા જુદા ગુણધર્મો ધરાવતા બેક્ટેરિયા અને વાયરસ હોય છે. આ વાયરસ અને બેક્ટેરિયા સામે આપણું શરીર લડવાની શક્તિ નિર્માણ કરે છે. એ નિર્માણ ક્ષમતા એટલે જ ઈમ્યુનિટી-રોગ પ્રતિકારક શક્તિ, હાલ રાજ્યભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. આ રોગ નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા શરીરમાં સવિશેષ થતો જોવા મળ્યો છે.ત્યારે આ ઈમ્યુનિટી અંગે વિસ્તારથી વાત કરીએ.
મેડીકલ સાયન્સ અલગ અલગ બીમારી માટે રોગ પ્રતિકારક શક્તિને ચકાસવા જુદા જુદા ટેસ્ટ કરે છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં આઈજીજી એન્ટિબોડી ટેસ્ટ કરી ઈમ્યુનિટી ચકાસવામાં આવી રહી છે. જો કે સાવ સરળ રીતે કહીએ તો આ ઈમ્યુનિટીનો ગ્રાફ શરીરના હિમોગ્લોબિનના પ્રમાણ પર રહેલો છે. આ પ્રમાણ પરથી પણ સ્પષ્ટ થઇ શકે છે કે તમારી ઈમ્યુનિટી બરાબર છે કે ઓછી ?
માનવ શરીરમાં હિમોગ્લોબિનનું ચોક્કસ પ્રમાણ નક્કી કરાયું છે જેમાં પુરુષ માટેનો રેસીયો ૧૪ અને મહિલાઓ માટે ૧૨ અંકને આદર્શ માનવામાં આવે છે. જો આ બંને આંક કરતા ઓછું હિમોગ્લોબીન હોય તો ઈમ્યુનિટી પણ ઓછી છે એમ કહી શકાય.
શરીરની સમતુલા માટે અગત્ય ભાગ ભજવતા ઈમ્યુનિટીને જાળવી રાખવા શું કરવું ? આ બાબતે અનેક મેડીકલ એક્સપર્ટ જુદા જુદા પ્રમાણ રજુ કરે છે. જેમાં પૌષ્ટિક આહાર અને કસરતને તમામ નિષ્ણાતોએ પ્રાધાન્ય આપ્યું છે. ઈમ્યુનિટી વધારવા માટે દૂધ, બાજરી, દાળ, ચણા, મગ, અને લીલા શાકભાજીનું સેવન સૌથી જરૂરી છે. જયારે ગરમ પાણીમાં લીંબુ, ડ્રાયફ્રૂટ્સમાં કિશમિશ, ખારેક, બદામ તેમજ લસણ તેમજ કેળા અને સંતરા, અનાનસ જેવા ફળોના સેવનથી પણ ઈમ્યુનિટી વધી શકે છે.
જો કે પોષ્ટિક આહાર જ એક માત્ર જરૂરી છે એવું નથી. રોગ પ્રતિકારક શક્તિ માટે નિયમિત કસરત, સાત-આઠ કલાકની ગાઢ નિદ્રા, હકારત્મક વિચારો, તનાવનો ઘટાડો કરતી પ્રવૃત્તિ પણ એટલી જ જરૂરી છે. દરેક રોગમાં સૌથી વધુ તકલીક એવા દર્દીઓને થાય છે જેની ઈમ્યુનનિટી ઓછી હોય, જેના કારણે દર્દીના શરીરમાં ઘુસી ગયેલ વાઈરસ સામે લડવાની તાકાત હોતી નથી. જેથી આવા લોકો વધુ બીમાર પડતા હોય છે.
ખાસ કરીને કોરોના સામે આવા લોકોનું શરીર જવાબ દઈ જાય છે. જેથી વાયરસ સંક્રમણ સામેનો શ્રેષ્ઠ ઉપાય છે રોગ પ્રતિકારક શક્તિ બધારવી જ રહી. હાલની સ્થિતિની વાત કરીએ તો કોરોનાં સંકરણથી બચવા માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ, સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ. સૌથી અગત્યની વાત કે વેક્સીન અવશ્ય લેવી જ રહી. અને ખાણીપીણીની હેબીટ બદલી ઈમ્યુનિટી વધારે એવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ.