સલામ : બે દાયકા સુધી દેશના સીમાડાઓના સામી છાતીએ રખોપા કરી હાલારનો સપુત પરત ફર્યો

0
1562

જામનગર : જે દેશમાં નવલોહીયા યુવાનોમાં દેશ દાઝની ભાવના ભરી હોય અને દેશના રક્ષણ માટે મરી મીટવા તૈયાર હોય તે દેશનું ભવિષ્ય ઉજાગર હોય છે. આવી જ દેશ દાઝની ભાવના સાથે હાલારના એક ક્ષત્રિય યુવાન ભારતીય ફોજમાં સામેલ થઇ કાબેલેદાદ અને શૌર્યતા પૂર્વક 20 વર્ષની પોતાની ફરજ પુરી કરી પરત ફર્યા છે. કોરોના કાળના કારણે ભવ્ય સ્વાગતના બદલે પરિવારજનોએ સાદગીપૂર્વક આ વીરલાના વધામણા કરી રૂડો આવકાર આપ્યો છે.

વાત છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના એવા નાના ખડબા ગામના ક્ષત્રિય યુવાનની, નામ છે પૃથ્વીરાજસિંહ અજીતસિંહ જાડેજા, ખેડૂત પરિવારમાં જન્મેલા પૃથ્વીરાજસિંહ માધ્યમિક શિક્ષણ પુરૂ કરી વર્ષ 2000માં 26મી જૂનના રોજ બોર્ડર સિકયોરીટી ફોર્સ (બી.એસ.એફ)માં જોડાયા હતા. નાનપણથી જ દેશના રખોપા કરવાની ખેવના સાથે શિક્ષણ પુરૂ કર્યા બાદ ભારતીય સુરક્ષા એજન્સીમાં જોડાયા હતા.

દેશના સીમાડાઓની 24 કલાક ચોકીદારી કરતી આ ફોર્સ દેશના રક્ષણ માટેની અગત્યની એજન્સી છે. 20 વર્ષ પૂર્વે બી.એસ.એફ. જોઇન કરતા જ પ્રથમ ટ્રેનીંગ કશ્મીરમાં પૂર્ણ કરી હતી. પ્રથમ પોસ્ટીંગ શ્રીનગર થયું હતું. પુરા જોમ અને જુસ્સાથી બીએસએફમાં ભરતી થયાની સાથે  જ હાલારના આ વીરલાએ માયન્સ ડીગ્રી તાપમાનમાં  શૌર્યતા પૂર્વક ફરજ બજાવી ત્યારબાદ મેઘાલય રાજયના શિલોંગ ખાતેના તુરામાં બાંગ્લાદેશ બોર્ડર પર ફરજ બજાવી હતી.  

અત્યંત આલહાદખ વાતાવરણ વચ્ચે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ફરજ બજાવ્યા બાદ બાંગ્લાદેશ બોર્ડરથી તેઓને ધોમધખતા તાપમાં પાકિસ્તાન સાથે જોડાયેલ રાજસ્થાની સીમાડાની રક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી.   અત્યંત સંવેદનશીલ ગણાતી આ બોર્ડર પર પૃથ્વીરાજસિંહએ 50 ડિગ્રી તાપમાનમાં ડયુટી નિભાવી હતી.  બિકાનેર સેકટરમાં સીમડાની રક્ષા કર્યા બાદ તેમનું ચોથું પોસ્ટીંગ દિલ્લી ખાતેની એડમીન વિભાગમાં થઇ હતી. ત્યાં પણ તેઓએ પોતાની જવાબદારી અને રક્ષાશકિતનું  શૌર્યતા પૂર્વક કૌશ્લ્ય રજૂ કર્યુ હતું.

પૂર્વ-પશ્ર્ચિમ સીમાડાઓની રક્ષા કર્યા બાદ હાલારના વીરલાની ખરી શૌર્યતા અને વીરતાની કસોટી હવે પછી શરૂ થઇ હતી કારણ કે તેમનું પાંચમું પોસ્ટીંગ દેશના અતિ સંવેદનશીલ કુપવાડા સેકટરમાં થયું હતું. જયાં 9500 ફીટ ઉંચાઇ પરના એલઓસી ખાતે માયન્સ ડીગ્રીમાં બરફની વચ્ચે પણ ઉમદા ફરજ નિભાવી હતી. આ ડયુટી બાદ ફરીથી તેઓનું પોસ્ટીંગ પાકિસ્તાન બોર્ડર પરના રાજસ્થાનમાં જેસલમેર સેકટરમાં થયું હતું. માયન્સ ડીગ્રીમાંથી ફરજ બજાવી સીધા જ ધોમધખતા તાપ વચ્ચે 50 ડિગ્રીવાળા વાતાવરણમાં પણ તુરંત તાલ-મેલ બેસાડી હાલારના આ વીરલાએ ખંત અને નિષ્ઠાપૂર્વક દેશના સીમાડાઓનું રક્ષણ કર્યુ છે. પોતાની 20 વર્ષની કારર્કીદીમાં વર્ષ 2010માં  દેશના ગૌરવસમા ગણતંત્ર દિવસે દિલ્લી ખાતેની ભવ્ય પરેડમાં પણ તેઓ ભાગીદાર બન્યા હતા.

સતત બે દાયકાઓ સુધી દેશની સીમાઓનું રક્ષણ કરી પૃથ્વીરાજસિંહ તાજેતરમાં નિવૃત્ત થયા છે. જામનગર ખાતે ભવ્ય સ્વાગત કરવાને બદલે હાલની કોરોના કાળની પરિસ્થિતિ અનુરોધ તેઓનો પરિવારે સાદગીપૂર્વક સ્વાગત કર્યુ હતું. તેઓના નાના ભાઇ અને પિતરાઇ ભાઇઓ પણ ભારતીય સેનામાં જોડાઇને નિવૃત્ત થઇ હાલ જામનગરમાં અલગ-અલગ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. 

NO COMMENTS