જામનગરમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કર્યાની ઘટનાએ સમાજને તો હચમચાવી નાખ્યો છે સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ વેધક સવાલો ઉઠાવ્યા છે. ઘરના મોભી તેમના પત્ની અને તેના બે યુવા સંતાનોએ જામનગરથી દુર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે અવરુ જગ્યાએ જેવી દવા પી સામૂહિક આપઘાત કર્યો છે. બ્રાસ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા આહીર પરિવારના મોભી પર ખૂબ જ લેણું થઈ જતા અને આ લેણા સામે ખૂબ જ આર્થિક સંકળામણ અનુભવતા અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જોકે ઘટના સ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી હોવાની વિગતો સામે આવી છે. આ સુસાઇડ નોટમાં જ આપઘાત પાછળનું સચોટ કારણ ધરબાયેલું છે એવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે સુસાઇડ નોટમાં કારણ અંગે કરાયેલ ઉલ્લેખ અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે આવેલ રેલવે ફાટક પાસેના અવાવરુ જગ્યાએ પહોંચી જામનગરમાં માધવબાગ વિસ્તારમાં રહેતા આહિર પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. ઝેરી દવા પી પરિવારના મોભી અશોકભાઈ જેઠાભાઈ ધુંવા ઉ.વ.૪૨, તેમના પત્ની લીલુંબેન અશોકભાઈ ધુંવા ઉ.વ.૪૨, પુત્ર જીગ્નેશભાઈ અશોકભાઈ ધુંવા ઉ.વ.૨૦ અને પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા ઉં.વ.૧૮ એમ ચારેય સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. લાલપુર તાલુકાના મોડપર ગામના આહીર પરિવારના અશોકભાઈ જેઠાભાઈ ધુવા વર્ષો પૂર્વે પોતાના પરિવાર સાથે જામનગરમાં ધંધાર્થે સ્થાયી થયા હતા. બ્રાસના ભંગારનો વ્યવસાય કરતા અશોકભાઈ ચામુડા કાસ્ટ નામની પોતાની પેઢી પણ ઉભી કરી હતી. જોકે ધંધામાં છેલ્લા વર્ષોમાં સતત ખોટ જતા તેઓના પર દેવું થઈ ગયું હતું અને ખૂબ જ આર્થિક સંકળામણમાં મુકાયા હતા એમ પ્રાથમિક વિગતો સામે આવી છે.
સૂત્રોનું માનવામાં આવે તો પોતાની આર્થિક સંક્રમણ દૂર કરવા અશોકભાઈ એ વ્યાજખોરો પાસેથી રૂપિયા લઈ સેટલ થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં પણ તેઓ નિષ્ફળ ગયા હતા અને તેના પર દેણું સતત વધતું ગયું હતું. આ જ કારણે અશોકભાઈ અને તેને પરિવારના સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાથી પ્રાથમિક વિગતો પોલીસ પાસેથી જાણવા મળી છે. જોકે ઘટના સ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી હોવાની વિગતો સામે આવી છે. આ સુસાઇડ નોટની વિગતોમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવશે પરંતુ એક વાત નિશ્ચિત છે કે આહિર પરિવારનો સાંસારિક માળો વિખેરાઈ ગયો છે. ચારેય સભ્યોના આપઘાતના પગલે આહીર સમાજ સહિત સમગ્ર હાલારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.