જામનગર : ગત વિધાનસભામાં કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી બે દાયકા ઉપરાંતના સમયથી સતા પર રહેલ ભાજપને પ્રમાણમાં સારી એવી ટક્કર આપી હતી. ત્યારબાદ જે સમીકરણો રચાયા એ કોંગ્રેસ માટે સારા ન હતા. સમયે સમયે કોંગ્રેસના ધારાસભ્યો, કાં ભાજપમાં ભળી ગયા કાં તો કોંગ્રેસથી કિનારો કરી લઇ પોતે ભૂતકાળ બની ગયા છે. હાલ રાજ્યસભાની ચુંટણી માથે છે. તા.૧૯મીના રોજ રાજ્યની ચાર બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે તે પૂર્વે કોંગ્રેસમાંથી એક પછી એક ધારાસભ્યોની પડી વિકેટ પડી રહી છે. જે રાજ્યસભાના પરિણામ પર ચોક્કસ અસર કરશે જ સાથે સાથે કેન્દ્રમાં રહેલ ભાજપ સરકાર પણ વધુ મજબુત બનશે. ગઈ કાલે કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા જેમાં કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીનો સમાવેશ થયો છે. રાજ્યસભાની ચુંટણી પૂર્વે ભાજપ દ્વારા કોંગ્રેસના ગઢમાં ગાબડાઓ પાડવામાં આવી રહ્યા છે એવું રાજકીય વિશ્લેષકો મત દર્શાવી રહ્યા છે. કોરોનાના વધી રહેલ સંક્રમણ વચ્ચે રાજકીય કાવાદાવા શરુ થઇ ગયા છે. કોગ્રેસને મ્હાત આપવામાં માટે ભાજપ સક્રિય થયો છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્યની વિકેટ પડી છે. મોરબી જીલ્લાના ધારસભ્ય બ્રિજેશ મેરજાએ આજે એકાએક રાજીનામું આપી દેતા ફરી કોંગ્રેસ વિસામણમાં મુકાઈ છે. વિધાન સભાની ચુટણી સમયે પ્રજા વચ્ચે ગયેલ મેરજાએ પોતે જમીની સ્તરનો નેતા હોવાની પ્રજાનોને ઓળખ કરાવી હતી અને જે તે સમયે સ્લોગન પણ એવું જ રાખ્યું હતું. ‘મારી પાસે પૈસો નથી માણસો છે’…મોરબીના પાસના કન્વીનર મનોજ પનારાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યા હતું કે હવે મેરજા પાસે માત્ર પૈસા જ હશે પબ્લ્લીક નહી, ધારાસભ્ય મેરજાએ પ્રજા દ્રોહ કર્યો છે. માત્રને માત્ર પૈસા માટે જ દાવ ખેલ્યો હોવાનું તેઓએ ઉમેર્યું હતું. મોરબીની પ્રજા તેઓને ક્યારેય માફ નહી કરે એમ પણ તીખો ભાવ દર્શાવ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના ધારાસભ્ય અંબરીશ ડેર, જામનગર જીલ્લાના કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા તેમજ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા પણ રાજીનામાં આપવાની કતારમાં હોવાનું રાજકીય પંડિતો મત વ્યક્ત કરી રહ્યા છે પરંતુ રાજુલાના ધારાસભ્ય ડેર અને જામનગરના બંને ધારાસભ્યોએ આ બાબતને અફવા ગણાવી રહ્યા છે. બે દીવસથી શરુ થયેલ રાજકીય કાવાદાવાએ આજે મહત્વની કરવત લીધી છે. હાલ ભાજપ પાસે ૧૦૩, કોંગ્રેસ પાસે ૬૬ ધારાસભ્યોનું પીઠબળ છે( હવે ૬૫ સભ્યો) જયારે ત્રણ અન્ય સભ્યો વિધાનસભાનું પ્રતિનિધિત્વ ધરાવે છે.