ગુજસીટોક: કયા આરોપીની કેવી ભુમિકા ? તહોમતનામું ઘડાયું

0
766

બે વર્ષ પૂર્વે જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ તેમજ તેના ઈશારે ગુનાહિત પ્રવૃત્તિ આચરતી તેની ગેંગ અને જયેશના પડદા પાછળના વ્હાઇટ કોલર સાગરીતો સામે રાજ્ય સરકારે ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસ દ્વારા પાર પાડવામાં આવેલા આ ઓપરેશન સબબ જયેશ પટેલ સહિતના આરોપીઓ સામે ગુજસીટોક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે સમયાંતરે 12 આરોપીઓને પકડી પાડયા હતા. આ તમામ આરોપીઓ સામે તાજેતરમાં સ્પેશ્યલ કોર્ટમાં તહોમતનામુ મૂકવામાં આવ્યું છે. ગુજસીટોક પ્રકરણમાં કયા આરોપીએ કેવી ભૂમિકા ભજવી છે? તે સ્પષ્ટ થયું છે. ચાર્જ ફ્રેમ વાળા 12 પૈકીના ત્રણ આરોપીઓએ ડિસ્ચાર્જની કરેલી અરજી પણ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.

કયા આરોપી સામે કયા પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો???

ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડોરી સામે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલ હોવા છતાં લાલપુર બાયપાસ પાસે આવેલ કીમતી જમીન ની બાજુમાં સ્મશાન બનાવવાની મહાનગરપાલિકામાં દરખાસ્ત મૂકી જમીનના ભાવ તળિયે લાવવાનો કરેલ પ્રયાસ અને જયેશ પટેલને ફાયદો કરાવવા કરેલ ગુનાઓ

પૂર્વ પોલીસ કર્મી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વશરામ મિયાત્રા સામે જમીન માફીયાઓ અને તેના સાગરીતો સામે જે કોઈ ફરિયાદી ફરિયાદ કરવા પોલીસ દફત્તરે ન પહોંચે તેની જવાબદારી સોંપવામાં આવી હતી. પૂર્વ પોલીસ કર્મી સામે ફરિયાદીને ડરાવી ધમકાવી તેને પોલીસ સુધી પહોંચતા અટકાવવાની જવાબદારી હતી.

જયેશ પટેલના વાઈટ કોલર માણસો દ્વારા ઉઘરાવવામાં આવેલ ખંડણીના નાણાંને ફોરેક્સ પેઢી મારફતે હવાલા દ્વારા વિદેશમાં રહેલ જયેશ પટેલ સુધી પહોંચતા કરવા સબબ જીગર ઉર્ફે જીમી આડતીયા સામે તહોમત મુકાયો છે

જયેશ પટેલના મેતાજી તરીકે કામ કરી રહેલા અનિલ ડાંગરિયા સામે બેનામી નાણાંનો વહીવટ સંભાળવા સબબ તહોમત નામુ દાખલ કરાયુ 

જૈન સમાજના અગ્રણી અને બિલ્ડર એવા નિલેશ ટોલીયા સામે અગ્રણી બિલ્ડર-નાગરિકોની જમીનની વિગતો જયેશ પટેલ સુધી પહોંચાડવા, આ માલેતુઝારો પાસેથી ખંડણીની રકમ નક્કી કરવા સુધીની ભૂમિકા અંગેનું તોહમતનામું મુકવામાં આવ્યું છે.

કુખ્યાત જશપાલસિંહ અને યશપાલસિંહ જાડેજા બંધુઓ સામે જમીન માલિકો જમીન ખાલી ન કરે તો તેઓને ધમકાવવા નીચા ભાવે જમીન આપી દેવા મજબૂર કરવા અંગેના આરોપ લગાવાયા છે.

જયેશ પટેલનો જમણો હાથ ગણાતા પ્રવીણ ચોવટીયા સામે “નવાનગર ટાઈમ્સ’ નામના અખબારનું સંચાલન કરી, ખોટા સમાચારો છાપીને સાહેદોને ડરાવવા સબબનો આરોપ તહોમતનામાં નોંધાયો છે.

શેરબજાર સાથે સંકળાયેલા જયેશ પટેલના વાઈટ કોલર સાગરીત પ્રફુલ પોપટ સામે જયેશ પટેલને ગેર કાનૂની રીતે આર્થિક લાભ કરાવવા અંગે તહોમતનામુ ઘડવામાં આવ્યું છે.

આરોપી એડવોકેટ વસંત માનસતા સામે અખબારોમાં ખોટી જાહેર નોટિસ છપાવી જમીન માલિકની જમીનો વિવાદમાં લઈ આવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

બિલ્ડર મુકેશ અભંગી સામે કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના ઇસારે જમીન માલિકો પાસેથી જમીનોના સોદા પાર પાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી

આરોપી અનિલ પરમાર સામે જયેશ પટેલ સાથે છેલ્લા દસેક વર્ષથી સહ આરોપી તરીકે સક્રિય ભૂમિકા ભજવવા અને ગેરકાનૂની કામ કરવા આરોપ મૂકવામાં આવ્યો છે.

કેવો હતો ગુજસીટોક કેસ ???

જામનગર શહેરમાં છેલ્લા એક દાયકામાં કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે એક પછી એક અનેક ગુનાઓ આચર્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવી, હત્યા, હત્યા પ્રયાસ, મારામારી, લૂંટ, ધમકી અને ખંડણી ઉઘરાવવા સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.

વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી વિદેશ નાસી ગયેલા જયેશ પટેલ દ્વારા જામનગર બહાર બેઠા સુવ્યવસ્થિત ગેંગ બનાવી નિર્દોષ માલેતુઝાર પાસેથી ધાક ધમકીથી ખંડણી ઉઘરાવવાનું નેટર્વક ઉભું કર્યું હતું. એક પછી એક પૈસાદાર પાસેથી નાણા પડાવતા આ સક્સે સામે રાજ્ય સરકારમાં ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઈને પાણી સરકારે જયેશ પટેલના નેટવર્કને નાબૂદ કરવા સ્પેશિયલ પોલીસ અધિકારીઓની ટીમ જામનગરમાં ઉતારી હતી. દીપનભદ્રની આગેવાની હેઠળ તત્કાલીન એએસપી અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નીતેશ પાંડેની આગેવાની હેઠળ જયેશ પટેલના નેટવર્કને નાથવામાં સફળતા મળી હતી.

NO COMMENTS