જામનગર : રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને સુરતના મહિલા કોન્સ્ટેબલ વચ્ચે થયેલ કથિત ઉગ્ર બોલાચાલી હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. રાત્રીના એક જ ગાડીમાં નીકળેલ ચાર-પાંચ સખ્સોને પોલીસે આંતરી લીધા બાદ મંત્રીના પુત્ર સ્થળ પર આવ્યા હોવાનું અને ત્યાર બાદ ઉગ્ર ચર્ચાઓ થઇ હોય એમ વાયરલ થયેલ ઓડિયો પરથી લાગે છે. જુદી જુદી ચાર ઓડિયોમાં સામસામે થયેલ અભદ્ર શબ્દ પ્રયોગ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચેનો સંવાદ બંને પક્ષે બતાવવામાં આવેલ પાવરનો ચિતાર રજુ કરે છે તો એક ઓડિયોમાં મહિલાને દાંટી રહેલ ઉપરી અધિકારી સાંભળી શકાય છે.
સુરત પોલીસ દફતરમાં ફરજ બજાવતા સુનીતા યાદવ નામના મહિલા પોલીસ કર્મચારીએ એક કારને રોકાવી, માસ્ક સહિતના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી વચ્ચે જે તે સખ્સોના ઓળખીતા અને રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર સ્થળ પર આવે છે. દરમિયાન મહિલા પોલીસકર્મીને ઉપરી અધિકારીનો ફોન આવે છે કે તમને તાત્કાલિક જે તે સ્થળથી રીલીવ કરવામાં આવે છે તમે તાત્કાલિક જે તે જગ્યા છોડી દો. જેને લઈને મહિલા પોલીસકર્મી જગ્યા છોડી ઘરે જવા નીકળતી હોય છે ત્યાં જ સખ્સોમાંથી કોઈ બોલતા સંભળાય છે, કે ‘ધારીએ તો અહી ૩૬૫ દિવસ ફરજ પર રાખી શકીએ’ આવું સાંભળતા જ મહિલા પોલીસકર્મીનો પીતો સાતમાં આસમાને ગયો હતો અને ઉગ્રતાથી પરખાવી દીધું હતું, કે તારા બાપની નોકર છું ? તારા બાપની ગુલામ છું કે તું મને અહીં ૩૬૫ દિવસ ઉભી રાખે ? તમારા પપ્પાની ગુલામ છું ? અહીથી કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળે તો એને પણ રોકવાની મારી ફરજ છે… પછી મહિલા પોલીસ કર્મી કહેતા સંભળાય છે કે, કહી દેજે જ્યાં કેવું હોય ત્યાં, સુનીતા યાદવ મારું નામ છે, ડીજી પાસે નહી પ્રધાનમંત્રી પાસે પહોચવાની તાકાત છે, મારી બદલી કરાવવી હોય તો કરાવી દે જે, બાકી મને મારા સાહેબે કીધું એટેલે જાવ છું…મારી પાસે પાવર નથી એટેલે જાવ છું… અમે એક કેપ ભૂલી જઈએ તો અઢી હજાર દંડ થાય છે. તમે ..(ગાળ)… માસ્ક નથી પહેરતા…એમ સંવાદ બોલી મહિલાકર્મી ફરી ઉગ્ર થઇ જાય છે અને કહે છે. બાકી તારા બાપની ગુલામ છું કે અહી ૩૬૫ દિવસ ઉભી રહું ? આવા સાહેબો અને રાજકારણ છે એટલે અહીથી મારે ચુપ થવું પડે છે.
અંતે કહે છે સુનીતા યાદવ નામ છે મારું, બાકી અસલ બાપની ઓલાદ હોય તો ૩૬૫ દિવસ ઉભૂ રાખીને બતાવજે, જેના જવાબમાં કોઈ બોલે છે ‘ બસ ઝાંસીની રાણી બસ’ , અંતે પોલીસ કર્મી કહે છે ‘આતો પાવર નથી એટલે જાવ છું, બાકી બધાના પીપુડા વગાળી દેત, સુનીતા યાદવ નામ છે મારું… એમ કહી મહિલા પોલીસકર્મી નીકળી જતા હોય એમ ઓડિયો પરથી લાગુ રહ્યું છે.
આ સંવાદોને લઈને જુદી-જુદી ચાર ઓડિયો વાયરલ થઇ છે. ૫.૫૬ મીનીટની ચાર ઓડિયોની જામનગર અપડેટ્સ પુષ્ટિ કરતુ નથી. પરતું આ સંવાદ સાચો હોય તો એક વાત સ્પષ્ટ છે કે, પોલીસ અધિકારીઓ પર રાજકારણનો કેટલો પ્રભાવ છે અને એક સામાન્ય પોલીસકર્મીની ડ્યુટી સમયેની કેવી લાચાર પરિસ્થિતિ હોય છે તે પણ સ્પષ્ટ થાય છે. બીજી બાજુ એ પણ સ્પષ્ટ થઇ રહ્યું છે કે મહિલા પોલીસકર્મીનું વર્તન પણ વર્દીને છાજે આવું તો નથી. પાવરમાં ન હતી છતાં પાવર બતાવતી મહિલા પોલીસકર્મીનો વાણી વિલાસ પોલીસની છબીને બદનામ કરી રહી છે . મહિલા પોલીસકર્મીનું વર્તન સામાન્ય માણસમાં જે પોલીસની છબી છે તેને વધુ એક વખત ઉજળી કરી હોય એમ લાગે છે.