જામનગર : દ્વારકા ખાતે મોરારીબાપુ પર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલ હુમલાના પ્રયાસને લઈને હાલ રાજ્યભરમાં તંગદિલી અને રોષભર્યો માહોલ ચાલી રહ્યો છે. મોરારીબાપુ દ્વારા એક કથામાં કૃષ્ણ અને તેના વંશજ તેમજ બલરામ વિષે કરવામાં આવેલ ટીપ્પણીઓને લઈને મોરારી બાપુ દ્વારાકા ખાતે માફી માંગવા આવ્યા હતા. આ વિવાદનો અંત આવી ગયો ત્યાં જ પબુભાએ નવા વિવાદની શરુઆત કરી છે. બાપુ પર કરવામાં આવેલ હુમલા પ્રયાસને લઈને આહીર સમાજે તો દ્વારકાથી જ વિરોધનો શુર વ્યક્ત કરી પબુભા સામે પગલા ભરવાની માંગણી કરી હતી. ગઈ કાલે જામનગર આહીરસમાજના અગ્રણીયો એકત્ર થઈ ત્રણ મુદ્દાનો એજન્ડા તૈયાર કર્યા બાદ આજે કલેકટર કચેરીએ પહોચી એક આવેદન પત્ર પાઠવાયું છે જેમાં પબુભા સામે કાયદાકીય પગલા ભરવાની માંગણી કરી છે. ઉપરાંત આહીર અગ્રણી પ્રવીણભાઈ માડમે પબુભા પર નિશાન સાધી કહ્યું હતું કે મોરારીબાપુ સામેના વિરોધ વખતે પબુભા એક શબ્દ પણ બોલ્યા નથી ત્યારે એકાએક સમાધાન વખતે જ કેમ ટપકી પડ્યા ? સવાલ કરી તેની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ એવી માંગણી કરી છે. આ મુદ્દે આગામી સમયમાં આહીર સમાજ તમામ જીલ્લાના આહીર સમાજને સાથે રાખી મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને રજૂઆત કરવા જશે અને પબુભા સામે કાર્યવાહી થાય એવી માંગણી કરશે એમ પણ નક્કી કરવામાં આવ્યું છે. આજે આવેદન વખતે આહીર સમાજના પ્રવીણભાઈ માડમ, મુળુભાઈ કંડોરિયા, મારખીભાઈ વસરા, મેરામણભાઈ ભાટુ, કિશન માડમ, રણમલભાઈ કામ્બરીયા, લાલાભાઈ ગોરિયા, મશરીભાઈ ગોરિયા, રામસીભાઈ ગોરિયા, દિલીપભાઈ આહીર, રામુભાઈ ગોજીયા, ધનાભાઇ લગારિયા, મહેશભાઈ વારોતરીયા, રચનાબેન નંદાણીયા, હિતેશભાઈ ગાગલીયા, સંજયભાઈ કાંબરીયા સહીત અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.