જામનગર : નેતાઓના જુથવાદ અને આતરિક કલેહને લઈને ગુજરાતમાં કોંગ્રેસ સફળ થતો નથી એમ રાજકીય પંડિતો અનેક વખત કહી ચુક્યા છે. તાજેતરમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં મૂળ કોંગ્રેસના કબ્જાની એક પણ બેઠક હાસિલ નહી થતા કેન્દ્રીય મોવડી મંડળે ગંભીર નોંધ લીધી હતી જેનું પરિણામ ગઈ કાલે જ આવી ગયું છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂટણી માથે છે છતાં કોંગ્રેસનું માળખું વેર વિખેર છે. ઈતિહાસ ગવાહ છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગર પાલિકા-નગરપાલીકોને બાદ કરતા મોટા ભાગની સંસ્થાઓ પર કોંગ્રેસનો દબદબો છે છતાં પણ પ્રદેશથી માંડી જામનગર શહેર સુધીનું સંગઠન માળખું વેરવિખેર છે ત્યારે આગામી ચૂટણીમાં તેની અસર વર્તાઈ તો નવાઈ નહી.
ગુજરાત કોગ્રેસમાં પ્રદેશથી માંડી જીલ્લા-શહેર સંગઠન માળખાઓ વેર વિખેર છે. આંતરિક કલેહ અને એક બીજાથી આગળ રહેવાની મહત્વાકાંક્ષાની કાર્યકરોની નીતિરીતિઓને કારણે રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેસના હાલ બેહાલ છે. કોંગ્રેસમાં કોઈ કાર્યકર જ નથી તમામ નેતાઓ છે. એવી ઉક્તિ રાજ્યભરમાં ચર્ચાઈ રહી છે. વિપક્ષમાં રહેલ કોંગ્રેસને કોઈ કાર્યક્રમ કરવો હોય તો માણસો ભેગા કરવામાં મોઢે ફીણ આવી જાય છે એમ અનેક નેતાઓ બંધ બારને કબુલે છે. સ્થાનિક સ્વરાજયની સસ્થાઓની ચૂંટણી આવી રહી છે. ભાજપ તો કેટલાય મહિનાઓથી તૈયારીમાં લાગી ગયો છે તો સામે પક્ષે સંગઠનના ઠેકાણા ન્થ્હી રહ્યા, હાલ પ્રદેશથી માંડી જામનગર શહેર-જીલ્લા સુધી સંગઠનનું માળખું વેર વિખેર છે. જીલ્લા-તાલુકા પંચાયત પર મહદંશે કોંગ્રેસ ભાજપ પર હમેશા હાવી રહ્યું છે છતાં પણ કોંગ્રેસ દ્વારા સંગઠનની રચના ક્યારે કરવામાં આવશે એમ ખુદ પક્ષમાં ચર્ચાઈ રહ્યું છે. જામનગર શહેર-જીલ્લાની વાત કરવામાં આવે તો હાલ સંગઠન વેરવિખેર જોવા મળી રહ્યું છે. ધણીધોરી વગરની હાલની સ્થિતિ સામે કોંગ્રેસ તત્કાલ કોઈ નિર્ણય નહિ લ્યે અને મજબુત સંગઠનની રચના નહિ કરે તો જે હાથમાં છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ હાથ માંથી જતી રહેશે એ વાત ચોક્કસ છે.