જામનગર : દારૂ, જુગાર જેવી અસામાજિક પ્રવૃતિઓ અને માસ્ક વગરના રસ્તે નીકળતા નાગરીકો પાસેથી ૨૦૦ રૂપિયા વસુલી પોતાને કોરોના વોરિયરનું બિરુદ પામેલ પોલીસને ખાનગી બસ કેમ નથી દેખાતી ? જામનગરથી ચોતરફના રૂટના ભાવ ત્રણ ચાર ગણા વધારી દીધા હોવાથી નિર્દોષ મુસાફરો દિનદહાડે લુંટાઈ રહ્યા છે તેમ છત્તા પોલીસ કે આરટીઓનું ધ્યાન કેમ નથી જતું ?
અનલોક-એકમાં સરકારે શરતી છૂટછાટ આપતા જ અમુક સેવાઓ પ્રજાજનોને લુંટવા લાગી છે, એમાંની એક સેવા છે ખાનગી પેસેન્જર પરિવહન સેવા, લોકડાઉન પૂર્વે જામનગરથી રાજકોટ જવા માટે ઇન્ટરસીટીમાં માત્ર ૫૦-૫૨ રૂપિયા ભાડું હતું જયારે એક્સપ્રેસ એસટી બસ ૯૦ રૂપિયા સુધીનું ભાડું વસુલતી હતી. જયારે ખાનગી પરીવહનમાં બસ પોતાની મનમાની મુજબ એક સો થી ૧૫૦ રૂપિયા સુધીનું ભાડું વસુલતી હતી. પરંતુ લોકડાઉન બાદ અનલોક પીરીયડમાં આ સેવાને શરતી મંજુરી આપવામાં આવી છે. જેમાં તે અઢી માસમાં ભોગવેલી નુકસાની મુસાફરો પાસેથી વસુલવા માટે ભાડું ત્રણ અને ચાર ગણું કરી નાખ્યું છે, ત્રણ પેસેન્જરોની બેસવાની જગ્યાએ એક જ પેસેન્જર બેસવા બેસાડવાનો નિયમ બનાવાયો છે જેથી સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે, આ સેવા શરુ થયાના બે-ચાર દિવસ સુધી આ નીયમનું પાલન થયું પણ પછી તમામ નિયમોને કોરાણે મૂકી દેવાયા છે. જામનગરથી રાજકોટનું ભાડું ૨૦૦ રૂપિયા અને ભાટિયા સુધીનું ભાડું પણ ૨૦૦ કરી દેવામાં આવ્યું છે. જે ભાડામાં ડબલ વધારો સૂચવે છે. ઓર તો ઓર સામાજિક અંતરનો પણ ઉલાળિયો થઇ રહ્યો છે. હવે જયારે લોકલ સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખાનગી બસમાં સામાજિક અંતર અને માસ્ક સહિતના નિયમોને જાળવવા એટલા જ જરૂરી છે. શહેરના ટ્રાફિક પોઈન્ટ પરથી જ આવી ખાનગી બસો પસાર થાય છે છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે. બીજી તરફ આરતીઓ તંત્ર પણ કુંભકર્ણની ભૂમિકામાં છે. ત્યારે ખાનગી ટ્રાવેલ ધંધાર્થીઓથી લુંટાતા મુસાફરોને કોણ ઉગારશે, ક્યાં ગયા વોરિયર તરીકેની ભૂમિકા નિભાવનાર પોલીસ સહિતના જવાબદાર તંત્ર ? પ્રજાને તમારા પર ભરોસો છે એ ભરોસાના રક્ષણ માટે કાર્યવાહી કરો એમ નાગરિકો ઈચ્છે છે.