જામનગર: કાલાવડ તાલુકા મથકે સાંજે પેટ્રોલિંગમાં રહેલ પોલીસકર્મીઓ અને એક યુવાન વેપારી વચ્ચે થયેલ બબાલને લઈને ગુંડાગીરી પર ઉતરી આવેલ ચાર પોલીસ કર્મીઓએ યુવાન વેપારી અને તેના પિતાને બેફામ માર મારતા સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનાને લઈને જીલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાલાવડ પહોચ્યા હતા અને તાત્કાલિક અસરથી ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી ચારેયની સામે ફરિયાદ દાખલ કરવી હતી.
પોલીસના વર્તનને લઈને અનેક વખત સવાલો ઉઠતા આવ્યા છે. એક તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસને પ્રજાનો મિત્ર બનાવવા ભગીરથ પ્રયાસો કરે છે પરંતુ વર્દીના રોફમાં અનેક પોલીસકર્મીઓએ ગુંડાગીરી પર ઉતરી આવતા હોવાની અવારનવાર ફરિયાદ ઉઠતી આવી છે. આવો જે એક બનાવ આજે કાલાવડ તાલુકા મથકે બન્યો હતો.
સ્થાનિક પોલીસ જયારે મુળીલા નાકા પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહી કાપડની દુકાન ધરાવતા નિશાંત ઉદેશી અને પોલીસ વચ્ચે માસ્ક બાંધવા બાબતે રકજક થઇ હતી. જેને લઈને હાજર પોલીસકર્મીઓ યુવાન વેપારીને તાત્કાલિક પોલીસ દફતર લઇ ગયા હતા. જ્યાં પોલીસે ગુંડાગીરી આચરી હતી નિશાંતને બેફામ માર માર્યો હતો. જેની જાણ થતા જ યુવાનના પિતા ધનશ્યામભાઈ તુરંત પોલીસ દફતર પહોચ્યા હતા. પુત્રને મારતા પોલીસકર્મીઓને કાકલુદી કરતા ઉસ્કેરાયેલ પોલીસકર્મીઓએ ઘનશ્યામભાઈને પણ પુત્ર સાથે રાખી બેફામ માર માર્યો હતો.
પિતા-પુત્ર સામે પોલીસે બળપ્રયોગ કર્યો હોવાની જાણ થતા કાલાવડના વેપારીઓએ અને આગેવાનો પોલીસ દફતર પહોચ્યા હતા અને તંગદીલી પ્રશરી ગઈ હતી. જવાબદાર પોલીસ કર્મીઓ સામે તાત્કાલિક ફરિયાદ નોંધી સસ્પેન્ડ કરવાની માંગ સાથે વેપારીઓ અને હાજર નાગિરકોએ માંગણી કરી પોલીસ દફતર ટોળામાં ફેરવાઈ જતા જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ અને ડીવાયએસપી કૃણાલ દેસાઈ સહિતનાઓ પણ કાલાવડ પહોચ્યા હતા. જ્યાં વેપારી પિતા-પુત્રની સારવાર બાદ અને વેપારીઓ સાથે એસપીએ ચર્ચાઓ કરી હતી અને સ્થાનિક સ્ટાફ સાથે મંત્રણા કરી હતી.
કાલાવડ પોલીસ મથકે થયેલ તંગદિલીને ખાળવા માટે એસપીએ તાત્કાલિક અશરથી કસુરવાર હેડ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા અને ભરતસિંહ ક્યોર તેમજ નિકુંજભાઈ જેસડીયા અને અશોકસિંહ જાડેજા સામે આઈપીસી કલમ ૩૨૩ અને ૧૧૪ મુજબ એફઆરઆઈ દાખલ કરી ચારેયને સસ્પેન્ડ કર્યા છે જયારે અન્ય બે એલઆરને હેડકવાટર ખાતે બદલી કરી મામલો થાળે પાડ્યો છે. બીજી તરફ બંને પિતા-પુત્રની તબિયત વધુ લથડતા રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઈને કાલાવડમાં ભારે તંગદીલી પ્રશરી ગઈ હતી.