જામનગર : જામનગર શહેર-જિલ્લામાં ધીરે-ધીરે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. સતત પાંચમા દિવસે કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા ચિંતા શરૂ થઈ છે. ગુરુવારે બપોરે જામજોધપુરના સતાપર અને લાલપુર ખાતે બહારના રાજ્ય અને જિલ્લામાંથી આવેલ બે મહિલાઓ અને અમદાવાદ ફરજ બજાવી પરત આવેલ જીજી હોસ્પિટલના ડોકટર સહિત ત્રણેયના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેને લઈને વહીવટી અને આરોગ્ય તંત્ર વધુ હરકતમાં આવ્યું હતું અને લાલપુર અને સતાપર ગામમાં જે તે વિસ્તારને ક્વોરેન્ટાઈની કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય તંત્ર આ કાર્યવાહીથી હજુ પાર ઉતર્યું ત્યાં સાંજે વધુ એક ચિંતા ઉપજાવતા સમાચાર આવ્યા, જીજી હોસ્પિટલમાં પરીક્ષણ થયેલ નમૂના પૈકી વધુ બે દર્દીઓના નમૂના પોઝીટીવ આવતા દસ કલાકમાં પાંચ દર્દીઓ નોંધાયા છે રાત્રે સાડા નવ વાગ્યે આરોગ્ય તંત્રના બુલેટિનની વાત કરીએ તો, શહેરના સતવારાવાસ દરબારગઢની બહારના વિસ્તારની રહેવાસી 19 વર્ષીય યુવતી પોઝીટીવ જાહેર થઈ છે. તો બીજી તરફ જીજી હોસ્પિટલ માટે એક જ દિવસમાં વધુ એક ડોકટર પોઝીટીવ જાહેર થયા છે. જેમાં અમદાવાદમાં ફરજ બજાવી પરત ફરેલા ૪૪ વર્ષના એનેસ્થેસિયા મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ છેલ્લા દસ કલાકના ગાળામાં પાંચ દર્દીઓ સામે આવતા શહેર જિલ્લામાં ચિંતામાં ઉમેરો થયો છે.