જામનગર : જામનગર તાલુકાના ધુતારપર ગામની શાળાના આચાર્ય અને શિક્ષિકાના બીભસ્ત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ શાળાના ટ્રસ્ટી મંડળે શાળાના આચાર્યને જ્યાં સુધી કલીનચીટ ન મળે ત્યાં સુધી તમામ હોદ્દા પરથી દુર કરી દીધા છે. શિક્ષણ વિભાગની તપાસ સમિતિના રીપોર્ટ બાદ જે કાર્યવાહી કરવામાં આવશે તેના પરથી આચાર્યનું ભવિષ્ય નિર્ભર રહેશે.
જામનગર તાલુકાના ધુતારપર ગામે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર શાળાના આચાર્ય અને ટ્રસ્ટના સંચાલક ભરતભાઈ મોલીયાએ તાજેતરમાં પોતાના મોબાઈલ ફોનમાંથી શાળામાં જ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકાના બાથરૂમ અંદરના બીભત્સ ફોટોઓને તાલુકાના શિક્ષકોના ગ્રુપમાં વાયરલ કરી દીધા હતા, આ ફોટો જોત જોતામાં જીલ્લાભરમાં વાયરલ થઇ જતા હાહો થઇ ગઈ હતી. જેને લઈને આચાર્ય તુરંત ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા હતા. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા.
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આચાર્યના કૃત્યને વખોળી કાઢ્યું હતું અને આ ઘટનાની તપાસ માટે તાત્કાલિક કમિટી રચવામાં આવી હતી. આ કમિટી તપાસ કરે તે પૂર્વે આજે જ્ઞાનધારા એજ્યુકેશન ટ્રસ્ટની એક મીટીંગ મળી હતી જેમાં જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓને પડેથી દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ આ બનાવ અંગે આજે ધુતારપર ગ્રામજનો જીલ્લા પંચાયત પહોચ્યા હતા અને ડીડીઓને એક આવેદન પત્ર પાઠવી આચાર્યને કાયમ માટે હાકલપટી કરવાની માંગણી કરી છે. કમિટીની તપાસ બાદ આચાર્ય બચી જાય તો પણ જે દાગ શાળા અને શિક્ષણ જગત પર લાગ્યો છે તે દાગ કઈ રીતે ભૂસી શકાશે ? ધુતારપરના વાલીઓ શાળાના સ્ટાફના વિશ્વાસે બાળકોને શાળાએ મોકલતા હતા હવે તેઓના મનમાં પણ અનેક સવાલો ઉભા થયા છે.