જામનગર : દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જીલ્લાના અનેક ગામડાઓ માટે જીવાદોરી સમાન વર્તુ બે ડેમ સાઈટ તરફથી સાર સમાચાર આવ્યા છે. દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં આજે સારો વરસાદ પડ્યો છે. ભાણવડ તાલુકામાં પડેલા સચરાસર વરસાદને કારણે ભેનકવડ ગામે આવેલ વર્તુ બે ડેમમાં ધીમે ધીમે આવક શરુ થઇ હતી જેં સાંજ સુધીમાં બે ફૂટ જેટલી થઇ ગઈ હતી. રાજકોટ સિંચાઈ યોજના સંચાલિત આ ડેમ સાઈટ ઉપર આવેલ ડેમના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો હોવાથી નદી-નાળા બે કાઠે આવ્યા હતા અને આ પાણી વર્તુ ડેમમાં ઠલવાયું હતું. વર્તુ બે સિંચાઈ યોજના અંતર્ગત આ ડેમનો કુલ જળસ્ત્રાવ ૫૯૬. ૭૪ છો. કિમી છે અને ૩૯.૯૫ મીટરની ભરપુર સપાટી ધરાવે છે. ૨૫.૬૦ ઘન મીટર અને ૯૦૪ મી. ઘનફૂટ જળસંગ્રહ ધરાવતા આ ડેમ અંતર્ગત ભેનકવડ, આંબલીયા અને રાણપરડા એમ કુલ ત્રણ ગામડાઓ અસરગ્રસ્તની વ્યાખ્યામાં આવે છે. આ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ભાણવડ તાલુકાના ત્રણ અને પોરબંદર જીલ્લાના ૧૨ ગામડાઓને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળે છે. હાલ તો બે ફૂટ પાણી આવ્યું છે પરતું ડેમ ભરાઈ જતા પોરબંદર જીલ્લા માટે આ ડેમ આશીર્વાદરૂપ બનશે.
(તસ્વીર: કિશન ગોજીયા-ભાણવડ)