દ્વારકા એલસીબીએ જુગાર પ્રકરણમાં સવા લાખનું કરી નાખ્યું ?

0
908

જામનગર : દ્વારકા એલસીબી પોલીસે આજે જ લાખો રૂપિયાનો દારુ પડકી પાડી મહત્વની કાર્યવાહી કરી છે. એક તરફ પોલીસની વાહવાહી થઈ રહી હતી ત્યારેજ એક મહિલાએ એલસીબી પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી સણસણતા આક્ષેપ કર્યો છે. તાજેતરમાં જ ઓખામંડળના એક જુગાર દરોડા દરમિયાન ખુદ એલસીબી પોલીસે મોટી રકમ હોવા છતાં મામુલી રકમ બતાવી પોણા બે લાખ રૂપિયા ગજવામાં નાખી દીધા હોવાનો આક્ષેપ લગાવાયો છે. મહિલાના આક્ષેપને લઈને પોલીસબેડામાં પણ તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસે ગુરુવારે સ્થાનિક ગુન્હા શોધક શાખા(એલસીબી) દ્વારા તાજેતરમાં દ્વારકા તાલુકાના ગઢેચી ગામે આસપારભા હીરાભા સુમણીયા નામના મકાન પર દરોડો પાડી માપભા જાદવભા માણેક, નાગજીભાઈ ટાભાભાઈ શેખા, જાલમભા લખમણભા ભાયા તથા પરમાબેન હીરાભા સુમણીયા, જશીબેન સુરાભા કેર, જેઠુબેન લખમણભા ભાયા, પાલુબેન વીરાભા માણેક, બબીબેન સામતભા માણેક અને હેમાબેન મનોજભા માણેક નામના છ મહિલા સહિત નવ સખ્સોને રૂપિયા ૩૪ હજાર ઉપરાંતની રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ સખ્સોની સામે જુગારધારા ૪-૫ મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. અહી આ પ્રકરણ પૂરું થયું હતું પરંતુ આજે આ જ દરોડામાં પકડાયેલ જશુબેન નામની મહિલા સામે આવી હતી અને તેણીએ એલસીબી પર ચોકાવનારા આક્ષેપ લગાવ્યો છે. જેમાં તમામ પાસેથી પોણા બે લાખ ઉપરાંતની રકમ ભેગી કરવામાં આવી હતી. પરંતુ ફરિયાદમાં માત્ર ૩૪ હજારની રકમ જ બતાવવામાં આવી છે. તો બીજી રકમ કયા ગઈ ? આ રકમ એલસીબીએ જ ખિસ્સામાં સેરવી લીધી હોવાના મહિલાએ આક્ષેપ લગાવ્યા છે. જો કે આ આક્ષેપમાં કેટલું તથ્ય છે ? એ ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો જ સામે આવી શકે.

NO COMMENTS