જામનગર સહીત રાજ્યભરમાં વીજ બચાવો વીજ સરંક્ષણ કાર્યક્રમો ચાલી રહ્યા છે. રહેણાક અને કોમર્સિયલ એકમોમાં વીજ વપરાસ બચાવવા અને સુરક્ષિતતા હેતુ વીજ કંપની દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર પીજીવિસીએલ કચેરી દ્વારા ઉત્સાહભેર વર્તુળ કચેરીના બંને જિલ્લાઓના ગામડાઓ સુધી પહોચી વીજ બચાવો જુમ્બેસ ચલાવવામાં આવી, સાથે કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સેફટી કેમ વધે એ બાબત પર પણ ભાર મુકવામાં આવ્યો, શાળાના બાળકોથી માંડી તમામ ગ્રામજનો સુધી વીજ સરક્ષણ અને વીજ બચાવોનો સંદેશો આપવામાં આવ્યો
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી હસ્તકના જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વીજ બચાવો અને વીજ ઉર્જા સરક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બિન સલામતી ભર્યા વીજ ઉપયોગ અને બિન ઉપયોગી વીજ વપરાસને ટાળવાના શુભ આસય સાથે જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલ કચેરીથી માંડી તમામ વીજ મથકો અને શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં વીજ બચાવો સુરક્ષિત રહોનો સંદેશો આપવામાં વીજ તંત્રએ કોઈ કસર છોડી નથી. એટલું જ નહી પણ વીજ તંત્ર સાથે જોડાયેલ કર્મચારીઓ-કોન્ટ્રકટરસ અને કામદારોને પણ વીજ સરક્ષણ અને વીજ બચાવવા માટે વિશેષ લેશન કરાવવામાં આવ્યા હતા. સાથે સાથે વીજ કામ કરતી વખતે વપરાસમાં લેવાતા સેફટી સાધનોની પણ ચકાસણી કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના વીજ અધિક્ષક જાડેજાએ જણાવ્યું હતું કે, તા. ૧૧ થી ૧૬ ડીસેમ્બર દરમ્યાન જીલ્લાભરના સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિભાગીય કચેરી પર વીજ અકસ્માત નિવારણ માટે લાઈન સ્ટાફ અને કોન્ટ્રાકટના લોકો વચ્ચે મોકડ્રીલ, અકસ્માત નિવારણ ચર્ચાઓ, ગાયન, વૃક્ષ રોપણ, અકસ્માત નિવારણ અર્થે ફીડરોનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું, આ ઉપરાંત વર્તુળ કચેરીની સાથે વિભાગીય અને પેટા વિભાગીય કચેરીમાં ટેકનીકલ સ્ટાફ અને ઈજનેરોની હાજરીમાં વીજ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી સાથે સાથે સલામતીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.
વર્તુળ કચેરી હસ્તકના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોચી સપ્તાહમાં એક દિવસ વીજ સલામતી માટે જુદી જુદી શાળાઓના બાળકો વચ્ચે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને પ્રશ્નોતરી, સંવાદ અને વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, વીજ બચાવો સપ્તાહના અંતિમ દિવસે વીજ સલામતી રેલી અને પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા, વીજ લાઈન સ્ટાફ માટે એક વર્ક સોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે વીજ લાઈન સ્ટાફ અને કોન્ટ્રાકટ પરિવાર સભ્યોને સાથે રાખી વીજ સલામતી દર્શાવતી ફિલ્મ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.