જામનગર : મગફળી ઉત્પાદક ખેડૂતોને પોતાની જણસનો યોગ્ય ભાવ મળી રહે તેમજ તેઓને આર્થિક નુકસાની ન જાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદ કેન્દ્રો ઉભા કરી મગફળીની ખરીદી કરવામાં આવે છે. જે મગફળી ખરીદીનો રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડીયા, હાપા તથા કાલાવડ એ.પી.એમ.સી. ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે અનેક કૃષિ લક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. અને તેના ભાગરૂપે આજે મગફળીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને પોતાની જણસનો યોગ્ય ભાવ મળી રહે, બજારમાં યોગ્ય હરીફાઈ ઉભી થાય તેમજ ખેડૂતોને આર્થિક નુકશાનીનો ભોગ ન બનવું પડે તે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કર્યો છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૧૫૫ જેટલા મગફળી ખરીદ કેન્દ્રો ઉભા કરાયા છે જ્યાં ખેડૂતો એક સાથે પોતાની ૧૨૫ મણ જેટલી મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરી શકશે તેમજ એક મણ દીઠ ૧,૧૧૦ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવશે અને આ પૈસા તાત્કાલિક ખેડૂતોને મળી રહે તે માટે પણ સરકાર દ્વારા અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે.આ ખરીદ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક થશે તેમજ જો કોઈપણ આ પ્રક્રિયામાં ગેરરીતિ આચરશે તો તેમના વિરુદ્ધ સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.જિલ્લામાં અતિવૃષ્ટિમાં પણ ખાસ રાહત પેકેજ જાહેર કરી સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે તેમ જણાવી મંત્રીએ કિસાન સન્માન નિધિ, પાક ધિરાણ યોજના, વીમા યોજના, સાત પગલાં ખેડૂત કલ્યાણના સહિતની યોજનાઓથી ઉપસ્થિત ખેડૂત ભાઈઓને માહિતગાર કર્યા હતા.અને ખેડૂત સુખી થાય, ગામડાનો વિકાસ થાય અને તેના માધ્યમથી સમગ્ર દેશ સમૃદ્ધ બને તેવું આયોજન સરકાર કરી રહી છે તેમ જણાવ્યું હતું.
જામનગર જિલ્લામાં પણ કાલાવડ ખાતે 8,257 જામજોધપુર ખાતે 6,474 જામનગર ગ્રામ્યમાં 4,717 જામનગર શહેરમાં 16 જોડીયા તાલુકામાં 2,557 ધ્રોલ તાલુકામાં 4,580 તેમજ લાલપુર તાલુકામાં 6,762 મળી કુલ 33,363 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચાણ અંગે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.