જામનગર : જામનગરમાં બ્રાસ સ્ક્રેપ વ્યવસાય સાથે સંકળાયેલ એક પેઢી અને તેની સાથે વેપાર કરતા અન્ય બે ધંધાર્થીઓ સાથે એક કરોડની છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ સામે આવી છે. બ્રિટનની કંપની સાથે વર્ષોથી બિજનેસ કરતી પેઢીને આવેલ ઈ મેઈલ પરથી જે તે બેંક એકાઉન્ટમાં પેઢી તથા તેની સાથેના બે ધંધાર્થીઓએ એક કરોડની રકમનું પેમેન્ટ કરી દીધું હતી. ત્યારબાદ સ્ક્રેપની ડીલીવરી બાબતે જે તે કંપની સાથે સંદેશ વ્યવહાર થતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. કંપનીની જાણ બહાર જ કોઈ હેકરે કંપનીનું ઈમેઈલ આઈડી હેક કરી, જામનગરની ત્રણેય પાર્ટીઓ પાસેથી એક કરોડ રૂપિયાની રકમ ડોલર રૂપે ટ્રાન્સફર કરાવી લઇ છેતરપીંડી આચરી હોવાનો ખુલાસો થયો હતો. જેને લઈને આ સમગ્ર પ્રકરણની પંચકોશી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જામનગરમાં હીરજીમિસ્ત્રી રોડ પર આવેલ એકતા એપાર્ટમેંટમાં રહેતા અને દરેડ જીઆઈડીસી ફેઈસ ત્રણમાં મીરાં ઇમ્પેક્ષ નામની ક્રેપ આયાત કરી કમીશનથી વેચાણ કરતી પેઢી ધરાવતા મિતેશ કનખરા લાંબા સમયથી ઇંગ્લેન્ડની યુરોપીયન મેટલ રીસાયકલીંગ લીમીટેડ નામની કંપની સાથે બ્રાસના સ્ક્રેપની આયાતનો વ્યવસાય કરે છે. બંને પેઢીઓ વચ્ચેના ઓર્ડર અને પેમેન્ટ ઓનલાઈન થતા હોય છે. સ્થાનિક મીરાં ઈમ્પેક્ષ સ્ક્રેપ પેઢી યુકેની પેઢી પાસેથી સ્ક્રેપ મંગાવી અહી સ્થાનિક બ્રાસ વ્યવસાયીઓને કમીશનથી માલ પૂરો પાડે છે.
આ રીતે થતા વ્યવહાર વચ્ચે તાજેતરમાં મિતેશભાઈની પેઢીના ઈમેલ આઈડી અને યુકેની કંપનીનું મેઈલ આઈડી હેક કરી કોઈ ઈ-ઠગબાજોએ તરકટ રચ્યું હતું. જેમાં યુકેની કપનીના લોગા સહિતની ફોરમેટ વાળો મેઈલ કરી બ્રાસ સ્ક્રેપ અંગેનો મેઈલ કર્યો હતો . જેને લઈને મિતેશભાઈએ પોતાની પેઢીના મેઈલ આઈડી પરથી પોતાની પાર્ટીઓની જરૂરિયાત મુજબના સ્ક્રેપની કંટેનર મંગાવ્યું હતું. જેને લઈને હેકરે મેઈલમાં જ નક્કી થયા મુજબ પોતાના બેંક એકાઉન્ટની વિગતો આપી મીતેસભાઈ પાસેથી ૨૦ ટકા પેમેન્ટ એડવાન્સ મંગાવી લીધું હતું. જે પેમેન્ટ જે તે પેઢીના અગાઉના બેંક એકાઉન્ટમાં જમા કરાવી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ મીતેસભાઈને ગત તા. ૪ના રોજ જે તે કંપની તરફથી મેઈલ રીસીવ થયો, તેમાં નવા એકાઉન્ટમાં ૮૦ ટકા રકમ ભરપાઈ કરવાની સુચનાં આપી એકાઉન્ટ નંબર આપવામાં આવ્યા હતા. જેને લઈને મીતેશભાઈની મીરાં ઇમ્પેક્ષ સાથે પાસેથી સ્ક્રેપનો ઓર્ડર આપનાર જામનગરના કેતન વેલજીભાઈ ગોરીની ફેસ થ્રીમાં આવેલ દીપ મેટલને જે તે નવા બેંક એકાઉન્ટમાં ૮૩૩૧૮ ડોલરની પેમેન્ટ ભરપાઈ કરવાનું જણાવ્યુ હતું. જેથી કેતનભાઈએ ડોલરના રૂપિયામાં થતું રૂપિયા ૬૧,૧૩,૧૦૦નું પેમેન્ટ ટેલીગ્રાફીક પેમેન્ટથી કરાવી દીધું હતું.
આવી જ રીતે મીરાં ઇમ્પેક્ષના જણાવ્યા મુજબ અન્ય પાર્ટી જલારામ મેટલ એલોઇઝના માલિક મેહુલ જોબનપુત્રાને સ્ક્રેપના આંકલન મુજબ ૬૩૬૮૩ ડોલર ભરી દેવા જણાવ્યું હતું. જેથી આ પાર્ટી તરફથી પણ ડોલરની સરખામણીએ ભારતીય ચલણ મુજબ રૂપિયા ૪૭,૯૭,૦૦૦ રૂપિયા ભરી દીધા હતા. આર્થીક વ્યવહાર થયા બાદ યુકેની મૂળ કંપનીના જવાબદાર કર્મચારીઓને જે તે પેમેન્ટની રીસીપ્ટ વોટ્સએપ નંબર પર મોકલવામાં આવતા આ છેતરપીંડી સામે આવી હતી. યુકેની કંપની અને મીરા ઇમ્પેક્ષનું ઈ મેઈલ આઈડી કોઈ હેકરોએ હેક કરી છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. આ છેતરપીંડીને લઈને ગઈ કાલે મીરાં ઇમ્પેક્ષના માલિક અને અન્ય બે પેઢીઓના માલિકો પંચકોશી બી ડીવીજન પહોચ્યા હતા અને સમગ્ર પ્રકરણ અંગે અજાણ્યા સખ્સ કે સખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સાયબર સેલના પીઆઈ ભોયે સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.