જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લામાં સપ્તાહ પૂર્વે થયેલ અતિવૃષ્ટિ બાદ ફરી ભારે વરસાદનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે જોડિયા પંથકમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વર્ષી જતા ચોતરફ પાણીપાણી થઇ ગયું છે. જોડિયા સહીત જીલ્લાભરમાં હાલ ભારે વરસાદનો માહોલ અવિરત છે તેથી વધુ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જામનગર જીલ્લા પર ફરી મેઘરાજાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગત રાતથી જીલ્લાભરમાં વરસાદી વાદળોનું સામ્રાજ્ય છવાયું હતું. જેને લઈને ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઇ હતી. રાતનો વરસાદી માહોલ વહેલી સવારે જોડિયા પંથકમાં ભારે વરસાદ રૂપે વરસી પડ્યો હતો જેમાં સવારે છ થી આઠ વાગ્યાના બે કલાકના ગાળામાં પાંચ ઇંચ (૧૨૮ મીમી ) વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. જોડિયા શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જોડિયા પંથકમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર છે. જોડિયાથી શરુ થયેલ મેઘાવી માહોલ જીલ્લાભરમાં છવાઈ ગયો છે. જેને લઈને આજે દિવસ દરમિયાન જીલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.